(એજન્સી) મેડ્રિડ,તા.૨૫
આપણે હંમશા ચમત્કારો વિશે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણામાંના દરેક લોકોને રોજબરોજની જિંદગીમાં આ ચમત્કારનો અનુભવ કરવાની તક મળતી નથી. ખાસ કરીને એવા સમયે કે જયારે આખું વિશ્વ મહામારીને માત આપવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. સ્પેનના એક અંગ્રેજી અખબાર ધ ઓલિવ પ્રેસ દ્વારા મહામારીને માત આપવાના ચમત્કાર સમાન એક સમાચારનો હવાલો આપતાં જણાવવામાં આવ્યું છે કે, ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂથી બચી જનાર ૧૦૬ વર્ષીય એક વૃદ્ધએ હવે કોરોના વાયરસને પણ માત આપી છે. એના ડેલ વેલે ત્યારે એક બાળકી હતાં, કે જ્યારે તેણીને સ્પેનિશ ફ્લૂ થયો હતો. જે ૩૬ મહિના સુધી (જાન્યુઆરી ૧૯૧૮થી ડિસેમ્બર ૧૯૨૦ સુધી) રહ્યો હતો અને તેણે ૫૦૦ મિલિયન લોકોને સંક્રમિત કર્યા હતાં, કે જે તે સમયે દુનિયાની કુલ વસ્તીની એક તૃતીયાંશ વસ્તી હતી. હવે ૧૦૨ વર્ષ બાદ, આ વૃદ્ધાએ કોરોના વાયરસની મહામારીને માત આપી છે. મીડિયાએ જણાવ્યું છે કે, વેલે અલ્કાલા ડેલ વૈલે એક નર્સિંગ હોમમાં હતા. તેમની સાથે અન્ય ૬૦ લોકો પણ હતાં, કે જેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ મહિલાને લા લાઈનિયાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને કેટલાક દિવસો પહેલા તેમને રજા આપી દેવામાં આવી હતી, કારણ કે તેણીએ કોરોના વાયરસને માત આપી દીધી હતી. એનાનો જન્મ ઓક્ટોબર ૧૯૧૩માં થયો હતો અને છ મહિના બાદ તેણીની ૧૦૭ વર્ષના થઈ જશે. તેણી સ્પેનમાં મહામારીનો સામનો કરનારા સૌથી મોટી વયના વૃદ્ધા છે. દુનિયામાં આ બિમારીનો સામનો કરનાર સૌથી વૃદ્ધ મહિલા ૧૦૭ વર્ષના ડચ મહિલા કૉર્નેલિયા રાસ છે. તેમની પુત્રવધૂ પાખી સાંચેજે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, હોસ્પિટલના કર્મચારીઓએ જે કંઈ પણ કર્યુ, તેના માટે તેમનો પરિવાર ખૂબ જ આભારી છે. અન્ય મીડિયા રિપોર્ટસ અનુસાર, સ્પેનમાં ૧૦૧ વર્ષની અન્ય બે મહિલાઓએ પણ કોરોનાને માત આપી છે.