(એજન્સી) શ્રીનગર, તા.ર૧
હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકે કઠુઆ ગેંગરેપના આરોપીઓને સખ્ત સજા આપવાની માગણી કરી કહ્યું છે કે છેલ્લા ૩ દશકોમાં કાશ્મીરમાં થયેલા તમામ બળાત્કારોના કેસોને પુનઃ ખોલવા જોઈએ, જેમાં કુનાન-પોસપોરા સામૂહિક દુષ્કર્મ કેસ પણ સામેલ છે. આ કેસોની પુનઃ તપાસ કરી મુક્ત રીતે ઘૂમી રહેલા ગુનેગારોની સામે કેસ નોંધવા જોઈએ. જામા મસ્જિદ ખાતે શુક્રવારની નમાઝ બાદ એકઠા થયેલા લોકોને સંબોધતા મીરવાઈઝે કહ્યું કે માનવ અધિકાર સંઘોએ આવા પાશવી બળાત્કારોની ઘટના અંગે અવાજ ઉઠાવવો જોઈએ. કઠુઆની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. દળો દ્વારા પાશવી બળાત્કારો અને હત્યાઓ આચરી છે. જેઓ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. ૧૯૯૦ પછી કુનાન, પોસપારા, પાઝીપુરા હુરા, શોપિયાં ખાતે સલામતી દળોએ યુદ્ધ અપરાધ કરી આઝાદી માટે લડતા લોકો પર જુલમ કર્યા છે. તેમણે કહ્યું કે કઠુઆની ઘટના પૂર્વયોજિત હતી તેનો હેતુ બકરવાલ કોમને આ વિસ્તારમાંથી હાંકી કાઢવાનો હતો જેમ કે કુનાન પોસપોરા કૃત્યો થયા હતા. મીરવાઈઝે સત્તાધારી પક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું કે તે પ્રદર્શનકર્તાઓને જેલમાં અને ઘરોમાં બંધ કરી દઈ ભારે નિયંત્રણો મૂકે છે. કેટલો સમય સત્તાધારી લોકો પ્રદર્શનકર્તા અને લોકોને દબાવશે ? હાલમાં ભારત-પાકિસ્તાનમાં મૂળભૂત અવાજ છે કે, યુદ્ધને સમસ્યાનો ઉકેલ નથી. દિલ્હી એ જમીનની હકકીત સમજી મૂળ મુદ્દાને ઉકેલવા ધ્યાન આપવું જોઈએ.