(એજન્સી) મુંબઈ, તા.૨૬
૧૯૯૩ના મુંબઈ સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષિત અને ભાગેડુ આરોપી ટાઈગર મેમણના ભાઈ યુસુફ મેમણનું મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ નાસિક રોડની જેલમાં શુક્રવારે મૃત્યુ થયું છે. જો કે, મૃત્યુના કારણ વિશે હજુ માહિતી મળી નથી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધુલે મોકલવામાં આવશે, જેલના અધિકારીએ માહિતી આપી હતી.
નાસિકના પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે મેમણની મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ટાઈગર મેમણ અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમને બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે અને યુસુફ ઉપર આક્ષેપો હતા કે એમણે પોતાનો ફ્લેટ અને અલ-હુસેની બિલ્ડિંગમાં આવેલ ગેરેજ મુંબઈમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવા માટે આપ્યો હતો.
ટાડાની સ્પે. કોર્ટે યુસુફને જન્મ ટીપની સજા ફટકારી હતી. મેમણનો અન્ય ભાઈ યાકુબ મેમણ જે પણ આ ગુનાનો આરોપી હતો એમને ૨૦૧૫ના વર્ષમાં ફાંસી આપવામાં આવી હતી.
આ બ્લાસ્ટમાં ૨૫૦થી વધુ લોકોનું મોત નીપજ્યું હતું અને સેંકડો લોકો ઘવાયા હતા. ૧૨મી માર્ચના રોજ મુંબઈમાં જુદા-જુદા સ્થળોએ ૧૨ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.