વડોદરા, તા.ર
શિક્ષણ સચિવ અને ખાસ ફરજ પરના અધિકારી ડૉ.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના પ્રબંધન અને વ્યવસ્થાઓમાં વડોદરાએ ઘણી નવી અને વ્યૂહાત્મક પહેલો કરી છે, એમાં વધુ એકનો ઉમેરો કરતા, ગઈકાલે જેઓ સરકારી દવાખાનાઓમાં સારવાર હેઠળ હતા અને માં યોજનાના કાર્ડ ધારક લાભાર્થીઓ છે એવા ૧૯ લોકોને ૨ હાઈટેક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં માં યોજના હેઠળ એમની કોરોના વિષયક સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. આ લોકોને એમની સંમતિથી માં યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ ૧૯ પૈકી ૧૫ દર્દીઓએ ધીરજ હોસ્પિટલમાં અને ૪ દર્દીઓએ પારૂલ હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું છે. અહીં એમની માં યોજના હેઠળ વિનામૂલ્યે કોરોના વિષયક સારવાર કરાશે અને યોજના હેઠળ જોડાયેલી વીમા કંપનીઓ દવાખાનાઓને સારવાર ખર્ચ ભરપાઈ કરશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડૉ.વિનોદ રાવે જણાવ્યું કે, આગામી ૩થી ૪ દિવસમાં સારવાર હેઠળના ૧૦૦થી ૧૫૦ કોરોના પીડિત દર્દીઓને ઉપરોક્ત હોસ્પિટલમાં શિફ્‌ટ કરવાનું આયોજન છે જેના લીધે ગોત્રી-સયાજી હોસ્પિટલોનું ભારણ ઘટશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ખાનગી દવાખાનાઓ સાથે કોરોના પીડિતોની ઠરાવેલા વાજબી દરે સારવાર કરવાની વ્યવસ્થા સાકાર કરવામાં આવી રહી છે જેના લીધે જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી છે તેઓ વાજબી દરે સારવાર લઈ શકશે.