(એજન્સી) તા.૮
આશરે ૮ વર્ષ પહેલાં પોતાના પરિવારથી વિખૂટાં પડેલા ૧૯ વર્ષીય ફહીમ વસીમખાનની હવે આશરે એક દાયકા પછી ગાંધી જયંતીના દિવસે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન થયું હતું. ૯ મે ૨૦૧૦ના રોજ ફહીમનો પરિવાર મુંબઈથી સુલતાનપુર ખાતે પોતાના વતન તરફ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.
તે સમયે ફહીમ ફક્ત આઠ વર્ષનો હતો અને તેનો ભાઈ પણ ત્યારે તેના પરિવાર સાથે જ હતો. ત્યારે જ પાણી પીવા માટે ફહીમ ટ્રેન માંથી ઊતર્યો હતો અને તેનો પરિવાર ત્યારે સૂતો હતો. જો કે તે પાછો ફરે તે પહેલાં જ ટ્રેન ઉપડી ગઈ હતી. તેના પિતા ભુસાવલ ખાતે ટ્રેનમાંથી ઊતરી ગયા અને તેને શોધવા લાગ્યા. જો કે તેની મમ્મી તેની બહેન સાથે આગળ નીકળી હતી.
માહિતી અનુસાર ફહીમ ત્યારે બીજી ટ્રેન પકડીને પોતાના માતા-પિતાની શોધમાં આગળ નીકળી ગયો હતો. તે ત્યારે ખૂબ જ નાનો હતો અને રડતો રડતો મુસાફરી કરી રહ્યો હતો. તેને ફક્ત એટલું જ યાદ હતું કે તેના માતા-પિતા સુલતાનપુરના છે. ત્યારે જીઆરપીના જવાને તેને ખંડવા ખાતે નવજીવન ચિલ્ડ્રન્સ હોમ્સને સોંપી દીધો હતો. આ માહિતી ખુદ વસીમના મામા અમન ખાને આપી હતી. ફહીમના પિતા હાલમાં સઉદી અરબમાં કામ કરે છે અને તેનો પરિવાર મુંબઈ ફક્ત વેકેશન મનાવવા માટે આવ્યો હતો. ચિલ્ડ્રન્સ હોમમાં ફહીમ સિસ્ટર અંબિકાની દેખરેખ હેઠળ રહ્યો હતો. જો કે તેના પિતા અને મામા તેને નાસિક તથા મુંબઈમાં શોધી રહ્યા હતા. ૧૨મા ધોરણની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલો ફહીમ કહે છે કે ચિલ્ડ્રન્સ હોમમાં મારી સારી રીતે દેખરેખ કરવામાં આવી હતી.