નવીદિલ્હી, તા. ૧૧
૧૧મી જાન્યુઆરી રણજી ટ્રોફી ક્રિકેટ ટૂનાર્મેન્ટની એક ઐતિહાસિક તારીખ બની ચુકી છે. રણજી ટ્રોફીનું ભારતમાં ખુબ મહત્વ છે. વર્ષ ૧૯૩૪માં શરૂ થયેલી રણજી ટ્રોફીની એક ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ હૈદરાબાદની ટીમના નામ ઉપર છે. હૈદરાબાદે ૧૯૯૩-૯૪ની સિઝનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો જે હજુ પણ અકબંધ રહ્યો છે. રણજી ટ્રોફીમાં સૌથી જંગી સ્કોરનો રેકોર્ડ તેના નામ ઉપર છે. હૈદરાબાદે આંધ્રપ્રદેશની સામે ૧૯૯૩-૯૪ની સિઝનમાં આ રન બનાવ્યા હતા. તે ઇનિંગ્સમાં હૈદરાબાદે છ વિકેટે ૯૪૪ રન બનાવ્યા હતા. ૮મી જાન્યુઆરી ૧૯૯૪ના દિવસે શરૂ થયેલી આ મેચમાં હૈદરાબાદે આંધ્રને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આંધ્રની ટીમ ૨૬૩ રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. ત્યારબાદ હૈદરાબાદે છ વિકેટે ૯૪૪ રન બનાવ્યા હતા. આંધ્રની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૮૦ રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી શ્રીધરે ૩૬૬ રનની ઇનિંગ્સ રમી હતી. શ્રીધરે ૫૨૩ બોલમાં ૩૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ૬૯૯ મિનિટ સુધી વિકેટ ઉપર રહ્યો હતો. ટીમના અન્ય બે ખેલાડી વિવેક જયસિંહા અને નોયેલ ડેવિડે બેવડી સદી ફટકારી હતી.
વિવેકે ૨૧૧ અને ડેવિડે ૨૦૭ રન બનાવ્યા હતા. શ્રીધર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જનરલ મેનેજર પણ રહી ચુક્યા છે. ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. જે ટીમના નામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે તે જ ટીમના નામે સૌથી ઓછા રનનો રેકોર્ડ છે. ૨૦૧૦માં રાજસ્થાનની સામે રમતા હૈદરાબાદની ટીમ માત્ર ૨૧ રન પર આઉટ થઇ હતી.