(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧પ
વડોદરાના સિંચાઈ પેટા વિભાગની કચેરીના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર (વર્ગ-૩) ગિરિશ શાંતિલાલ શાહ સામે એસીબીએ ૪ જુલાઈના રોજ ૧.ર૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ધરપકડથી બચવા આરોપી ગિરિશ શાહે કરેલી આગોતરા જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી છે.
ર૦૧૭માં સિંચાઈ પેટા વિભાગની કચેરીના અધિક મદદનીશ ઈજનેર વર્ગ-૩ ગિરિશ શાંતિલાલ શાહ (રહે.અવિનાશ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) ૪૩ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારબાદ એસીબીએ ગિરિશ શાહની અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગિરિશ શાહ, તેમની પત્ની કલ્પનાબેન તથા પુત્રના નામે બેંક ખાતામાં અંદાજે રર લાખ રૂપિયાની એફડી, એલઆઈસી, શેરબજારમાં રોકાણ તેમજ અન્ય પોલિસી મળી આવી હતી જ્યારે બેન્ક ખાતાઓમાં ર૯ લાખ રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત તપાસ દરમિયાન ગિરિશ શાહ અને તેની પત્ની અને પુત્રના નામે રાજકોટમાં બે પ્લોટ, વડોદરા ખાતે મકાન અને ફ્લેટ તથા સાકરદાના નવદુર્ગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે પ પ્લોટ અને અન્ય સ્થળે જમીનો મળીને પ૮ લાખ રૂપિયાની મિલકતો મળી આવી હતી. જેથી એસીબીએ ૧.ર૬ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ધરપકડથી બચવા આરોપી ગિરિશ શાહે આગોતરા જામીન માંગતી જામીન અરજી કોર્ટમાં રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.