(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ૧.૪૬ કરોડના ડ્ર્‌ગ્સ મામલે આજે ચાર આરોપીઓ પૈકીના આરોપી શહેજાદ તેજાબ વાલાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. ઉલ્લખનીય છે કે, ગુજરાતના વરિષ્ઠ રાજનેતા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ની પાર્ટી જનવિકલ્પના ઉમેદવાર રહેલા તેજાબવાલા શહેજાદ હુસૈનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસજી હાઈવે પર આવેલ એક ટ્રાવેલ્સના લક્ઝરી બસના ડ્રાઈવર પાસેથી કુરિયરમાં દોઢ કરોડનું એમડી ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યો હતો. કરોડના ડ્રગ્સ કૌભાંડ શહેજાદખાન અને તેના સાથીઓ અન્ય રાજ્યના કેટલાક ડ્રગ્સ માફિયાઓ સાથે સીધા સંપર્કમાં હોવાની માહિતી મળી હતી. તમામ ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા અને કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે ડ્રગ્સ માફિયા શહેજાદ હુસૈનના સાગરિતો તેમજ તેમના લાગતા વળગતા લોકો સામે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શહેજાદ હુસૈનની તપાસ કરતા શહેજાદ સાથે તેમના પિતા અને બીજા ૨ લોકોની ધરપકડ કરાઇ હતી. પરંતુ પોલીસનું માનવું હતું કે, શહેજાદ પોતે શાકભાજીના વ્યાપારીના પડદા પાછળ ડ્રગ્સનું રેકેટ ચલવતો હતો. તો ડ્રગ્સ સપ્લાય માટે એક મોટુ નેટવર્ક શહેજાદ દ્વારા ઊભુ કરાયેલું હોય તેનું પુરેપુરી શક્યતાઓ પણ હતી. તેમજ મોટાપાયે ડ્રગ્સનું ફાયનાન્સ કરવા માટે પડદા પાછળ કોઇ મોટા માથા આ કારોબારમાં સંકળાયેલા છે તેવી પુરેપુરી આશંકા પોલીસને હતી.