નવી દિલ્હી,તા.૧૪
કેટલાક પલ એવા હોય છે જે કાયમી યાદગાર બની જાય છે. વર્ષો પછી પણ એ પલને યાદ કરીએ ત્યારે એ જ અનુભૂતિ કરાવી જતા હોય છે. ભારતીય ટીમે ૧૩ જુલાઇ ૨૦૦૨ના નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં ઇગ્લેન્ડને હરાવ્યુ હતુ. ટીમ ઇન્ડિયાને ૩૨૬ રનનું લક્ષ્યાંક મળ્યું હતું. બે વિકેટથી મળેલી જીત ભારતીય ટીમના ઇતિહાસમાં ખૂબ જ મહત્વ રાખે છે. આ જીત એટલે પણ મહત્વની બની જાય છે કેમકે યુવા ખેલાડીઓએ સૌથી વધારે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ભારતનો સ્કોર પાંચ વિકેટે માત્ર ૧૪૬ રન હતો.
આ સમયે યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે મળીને બારતને સંકટમાંથી બહાર કાઢ્યુ. યુવરાજના આઉટ થયા પછી પણ કૈફ સ્થિર રહ્યો અને ભારતને જીત અપાવીને રહ્યો. યુવરાજ અને કૈફે ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. યુવરાજ આઉટ થયા બાદ હરભજનસિંહે કૈફને સારો ટેકો આપ્યો હતો અને સાતમી વિકેટ માટે ૪૭ રન જોડ્યા હતા. મોહમ્મદ કૈફે અણનમ ૮૭ રન બનાવ્યા. કૈફ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. કૈફને તે જીત ૧૮ વર્ષ પછી પણ યાદ છે. તે કહે છે, આ જીતથી ભારતીય ક્રિકેટ કાયમ માટે બદલાઈ ગયું.
તે વિજયે આપણને શીખવ્યુ કે આપણે દિગ્ગજ છીએ આપણે પણ મુશ્કેલ સ્થિતિમાં જીત મેળવી શકીએ છીએ. ભારતીય ચાહકોને આ મેચ યાદ છે કારણ કે ૧૯૮૩ વર્લ્ડ કપ અંતિમ વિજય બાદ લોડ્‌ર્સ સામે ભારતની આ સૌથી મોટી જીત હતી. કૈફ કહે છે કે જ્યારે તે સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે લોકો ફૂલ અને માળા લઈને રસ્તાની બંને બાજુ ઉભા હતા. લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જ્યારે હું નાનો હતો ત્યારે મેં અમિતાભ બચ્ચનને ચૂંટણી જીત્યા બાદ મારા વતનમાં ખાલી જીપમાં ફરતા જોયા હતા. તે દિવસે, મેં વિચાર્યું જેમ કે હું અમિતાભ બચ્ચન છું.