(એજન્સી)
હૈદરાબાદ, તા. ૨૦
હૈદરાબાદની મક્કા મસ્જિદમાં મે ૨૦૦૭માં બોમ્બ બ્લાસ્ટ થયા બાદ તે વખતના શહેર પોલીસ કમિશનર બલવિંદરસિંહ દ્વારા કેસની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી ખાસ તપાસ ટીમ (એસઆઇટી)એ ૧૦૦ જેટલા મુસ્લિમ યુવાનોને એક સાથે મહિનાઓ સુધી જેલમાં રાખ્યા હતા. સીબીઆઇની તપાસમાં મક્કા મસ્જિદ અને અજમેરની ખ્વાજા સાહેબની દરગાહમાં થયેલા બ્લાસ્ટમાં હિન્દુ ત્રાસવાદીઓની સંડોવાણીનો ઘટસ્ફોટ થતા અને કેસમાં મુસ્લિમ યુવાનોની સંડોવણી પુરવાર નહીં થતા એસઆઇટી દ્વારા ધરપકડ કરાયેલા સ્થાનિક યુવાઓને કેસમાંથી છોડી દેવામાં આવ્યા હતા. હૈદરાબાદ પોલીસ દ્વારા કસ્ટડીમાં રાખવા બદલ સરકારે ૨૦ લોકોને પ્રત્યેકને ૩ લાખ રુપિયા અને ૭૦ યુવાનોને પ્રત્યેકને ૨૦,૦૦૦ રુપિયા ચુકવ્યા હતા. હૈદરાબાદમાં તે વખતના સંયુક્ત પોલીસ કમિશનર એચકે ગુપ્તાના નેતૃત્વ હેઠળની એસઆઇટીએ મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં સંડોવણીની શંકાને આધારે અસંખ્ય મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી હતી અને એક ડોક્ટર સહિત આશરે ૧૦૦ યુવાઓ સામે કેસો નોંધ્યા હતા અને આર્મ્સ એન્ડ એક્સપ્લોસિવ્સ એક્ટ તેમ જ આઇપીસીની વિભિન્ન કલમો હેઠળ તેમની સામે કેસો નોંધીને તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
તત્કાલીન આંધ્રપ્રદેશ સરકારે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા યુવાઓની સંડોવણી પુરવાર નહીં થતાં તેમને વળતર ચુકવવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય લઘુમતી પંચ દ્વારા રાજ્ય સરકારને અટકાયત કરાયેલા યુવાનો સાથે અન્યાય નહીં કરવાની ભલામણ કરવામાં આવી હતી.
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી દેવા બદલ જૂના હૈદરાબાદ શહેરમાં લોકોમાં ભારે રોષ ફેલાયો હોવાછતાં શહેરમાં ક્યાંય પણ હિંસાનો કોઇ બનાવ બન્યો ન હતો. જોકે, શહેરના બધા જ સંવેદનશીલ સ્થળોએ સશસ્ત્ર પોલીસવાળાઓની સવારથી જ ગોઠવણી કરવામાં આવી હતી અને સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી.
મક્કા મસ્જિદ બ્લાસ્ટ : ચુકાદો ત્રાસવાદ
સામેની લડતને ભારે ફટકો : નાગરિકો


(એજન્સી
હૈદરાબાદ, તા. ૨૦
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં પાંચ આરોપીઓને નિર્દોષ છોડી દેતા કોર્ટના ચુકાદા અંગે ઘણા મુસ્લિમ સંગઠનો અને વિભિન્ન રાજકીય પક્ષોએ નિરાશા વ્યક્ત કરી છે. મજલિસ બચાવ તહેરિક (એમબીટી)એ કોર્ટના ચુકાદાને ત્રાસવાદ સામેની લડતને ભારે ફટકો ગણાવ્યો છે. એમબીટીના પ્રવક્તા અમજદુલ્લાહ ખાને જણાવ્યું કે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનાની બાબત કેન્દ્ર ખાતેની ભાજપ સરકાર અને તેલંગાણાની ટીઆરએસ સરકારનું નરમ વલણ પુરવાર કરે છે. તેમણે એવું પણ જણાવ્યું કે આરોપીઓ સામે કોર્ટ કોઇ સીધા પુરાવા શોધી શકી નથી. તેમણે એવો આક્ષેપ કર્યો કે કેન્દ્ર ખાતેની ભાજપ સરકારના આદેશથી એનઆઇએ એ તેની તપાસ હળવી કરી દીધી હતી. આરોપીઓને દોષ મુક્ત જાહેર કર્યા બાદ ૯ લોકોનો ભોગ લેનાર અને અન્ય ૫૮ લોકોને ઘાયલ કરનાર બ્લાસ્ટ માટે અમે કોણે જવાબદાર ઠરાવીએ. મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં ભોગ બનેલાઓને ન્યાય મળ્યો નથી. આ કેસમાં આરોપીઓ દોષ મુક્ત જાહેર થયા છે અને અપરાધીઓ મુક્ત રીતે ફરી રહ્યા છે. ઘટનાના ૧૧ વર્ષ બાદ પણ ત્રાસવાદી કૃત્ય આચરનારા ગુનેગારોને કોઇ સજા કરાઇ નહીં હોવાની બાબત ભારે શરમજનક છે.