(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૩
મીડિયામાં અદાલતોમાં પડતર કેસોની રિપોર્ટિંગ અંગે એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં ચિંતા વ્યક્ત કરતા કેકે વેણુગોપાલે કહ્યું કે, અદાલતોમાં પડતર કેસોમાં જજોની વિચારસરણી પર અસર કરવા માટે પ્રિન્ટ અને ટીવી મીડિયામાં ચર્ચા ચાલે છે. તેણે સંસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ મુદ્દો આજે ગંભીર સરેરાશમાં ચાલી રહ્યો છે. એટોર્ની જનરલે કહ્યું કે, જ્યારે કોઇ જામીનની અરજી સુનાવણી માટે આવે છે ત્યારે ટીવી ફરિયાદીઓ અને કોઇના વચ્ચે થયેલા સંદેશાને ફ્લેશ કરે છે. આ ફરિયાદીઓને નુકસાન કરે છે અને જામીન અરજીની સુનાવણી દરમિયાન મુદ્દો સામે આવે છે. આજ રીતે ઉદાહરણ તરીકે જો અદાલતમાં રાફેલની સુનાવણી છે તો એક લેખ સામે આવી જશે. આ અદાલતની અવમાનના છે. વર્ષ ૨૦૦૯ના પ્રશાંત ભૂષણ અવમાનનાના કેસની સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે આ દલીલ આપી હતી. આ કેસને ચાર નવેમ્બર સુધી સ્થગિત કરી દેવાયો છે. જસ્ટિસ એમ.એમ. ખાંવિલકર, જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિ કૃષ્ણ મુરારીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. અદાલતે આ મોટા મુદ્દાઓ પર વિચારણા કરવાની છે કે, કોઇપણ અદાલત વિરૂદ્ધ ફરિયાદ વ્યક્ત કરવાની પ્રક્રિયા શું છે, કેવી પરિસ્થિતિમાં આ પ્રકારના આરોપો લગાવી શકાય અને જ્યારે કોઇ કેસ પડતર હોય તો મીડિયા અથવા કોઇ અન્ય માધ્યમથી કેસમાં કેટલી હદ સુધી નિવેદન આપી શકાય છે ? સુપ્રીમે આ મામલે એટોર્ની જનરલ કે.કે, વેણુગોપાલની મદદ માગી હતી. ઉલ્લેખનીય છે કે, અદાલતે ૧૦ ઓગસ્ટના રોજ ભૂષણના ‘ખેદ’ અને ૨૦૦૯ના કેસમાં તેમના નિવેદન માટે સ્પષ્ટીકરણનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરતા એક આદેશ જારી કર્યો હતો કે, અદાલત એ વાતની તપાસ કરશે કે શું ભૂષણના નિવેદનથી અવમાનના થઇ છે. વર્ષ ૨૦૦૯માં ભૂષણ દ્વારા તહલકા મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ન્યાયપાલિકા વિરૂદ્ધ વિવાદિત ટીપ્પણી આપવા ઉપરાંત ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો વિરૂદ્ધ આરોપો લગાવાયા હતા. વેણુગોપાલે એવું પણ કહ્યું હતું કે, તેઓ આ અંગે ભૂષણ તરફથી દલીલો કરી રહેલા સિનિયર વકીલ રાજીવ ધવનની સાથે ચર્ચા કરવા માગશે અને આ કેસમાં હાજર થયેલા અન્ય વકીલો સાથે પણ ચર્ચા કરશે. આ દરમિયાન જ રજિસ્ટ્રાર જ્યુડિશિયલે ચર્ચા કરવા માટે હરીષ સાલ્વેનો સંપર્ક કર્યો હતો અને આગામી સુનાવણીના રોજ તેમને હાજર રહેવા કહ્યું છે.