(એજન્સી) તા.૧૩
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનાવવા માટે બહારથી ટેકો આપવાની જે ઓફર કરવામાં આવી હતી તે ફક્ત ભાજપના તે સમયના સાથી પક્ષ શિવસેનાને ભાજપથી દૂર કરવાની એક ગંદી રાજરમત હતી. તે સાથે પવારે એવો પણ એકરાર કર્યો હતો કે તેમણે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદોની મોટી ખાઇ ઊભી થાય એવા પગલાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ આ બે ભગવાધારી પક્ષો મુખ્યમંત્રીપદના મુદ્દે એકબીજાથી અલગ થઇ ગયા હતા. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી હતી અને જો મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર બને તો તે શિવસેનાને નુકસાન થઇ શકે તેમ હતું. હું જાણતો હતો કે, અન્ય પક્ષોની સામે પણ જોખમ ઊભું થઇ શકે છે, તેથી મેં બહારથી ટેકો આપવાની ઓફર કરી હતી જે વાસ્તવમાં એક ગંદી રાજરમત હતી. શિવસેના અને ભાજપમાં તિરાડ પડાવવા મેં પગલાં લીધા હતા તેનો હું સ્વીકાર કરું છું, એમ પવારે કહ્યું હતું. મહારાષ્ટ્રના અઠંગ રાજકારણી ગણાતા પવારે કહ્યું હતું કે, ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારને ટેકો આપવા ભાજપના નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, એનસીપી ભાજપની સરકારને ટેકો આપશે નહીં અને જો શક્ય હશે તો તે શિવસેનાની સાથે રહીને સરકાર બનાવશે અથવા તો વિપક્ષ તરીકે બેસશે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પવારે કહ્યું હતું કે, ભાજપ એ માનવા તૈયાર જ નહોતો કે, લોકશાહીમાં બિન-ભાજપી પક્ષોને પણ સરકાર રચવાનો બંધારણીય અધિકાર છે. યાદ રહે કે ગત વર્ષે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એમ ત્રણ પક્ષોના બનેલા મહા વિકાસ અઘાડી મોરચાની રચના કરવામાં શરદ પવારે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને બાદમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સરકારની રચના કરવામાં આવી હતી. શિવસેનાના મુખપત્રમાં શિવસેના સિવાયના કોઇ પક્ષના નેતાના ઇન્ટરવ્યૂની આખી શ્રૃંખલા ચાલી હોય એવી આ પ્રથમ ઘટના છે. પવારનો ઇન્ટરવ્યૂ ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણી બાદ મેં ખૂબ જ સાવચેતીપૂર્વક નિવેદન કર્યું હતું, કેમ કે ભાજપ અને શિવસેના સાથે રહે એમ હું ઇચ્છતો નહોતો, પરંતુ જ્યારે મને સમજાયું કે, ચૂંટણી બાદ પણ કોઇ મોરચાની રચના થઇ શકે છે, તો મેં ભાજપની સરકારને બહારથી ટેકો આપવાની જાહેરાત કરતું નિવેદન કર્યું હતું એમ પવારે કહ્યું હતું. જો કે, મારી યોજના સફળ થઇ શકી નહોતી અને શિવસેના ભાજપ સરકારની સાથે જોડાઇ ગઇ હતી અને તે યુતિ સરકારે રાજ્યમાં પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હતી. ૭૮ વર્ષીય આ મરાઠા નેતાએ કહ્યું હતું કે, તેમનું દૃઢપણે માનવું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તા ઉપર આવવા દેવાની મંજૂરી આપવી તે શિવસેના સહિત અન્ય પક્ષોના હિતમાં નહીં હોય.