(એજન્સી) નવી દિલ્હી , તા.૨૩
વર્ષ ૨૦૧૮-૧૯માં મળેવલા ૧૭૭૫ દાનમાં રાષ્ટ્ર સ્તરની પાંચ પાર્ટીઓને રૂા. ૮૭૬.૧ કરોડનું કોર્પેરેટ દાન મળ્યું હતું, એમ ચૂંટણી વોચડોગ સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મસ (એડીઆર)એ એક સંશોધનમાં જણાવ્યું હતું. આ પૈકી ૯૨ ટકા ભંડોળ એવા સ્ત્રોત પાસેથી મળ્યું છે જેઓ દેશમાં ઓળખ ધરાવે છે. આ પાર્ટીઓમાં ભાજપ, કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), સીપીએમ અને ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)નો સમાવેશ થાય છે. દાન કરનારા ટોચના ઉદ્યોગ ગૃહોમાં ટાટા ગ્રુપના પ્રોગ્રેસિવ ઈલેકટોરલ ટ્રસ્ટ, પ્રુડેન્ટ ઈલેકટોરલ ટ્રસ્ટ (ડીએલએફ), ભારતી એરટેલ, જીએમઆર એરપોર્ટસ એન્ડ જ્યુબલિઅન્ટ ફૂડવર્કસ લિમિટેડ અને આદિત્યા બિરલા ગ્રુપના એબી જનરલ ઈલેકટોરલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. કુલ રૂા. ૮૭૬.૧ કરોડના દાનમાંથી શાસક ભાજપને ૧૫૭૩ દાનમાંથી રૂા. ૬૯૮.૦૮ કરોડ મળ્યા હતા. આ રકમ અન્ય ચાર રાજ્કીય પાર્ટીઓને મળેલા ભંડોળ કરતાં ચાર ગણી વધુ હતી, એમ એડીઆરના એક અહેવાલમાં જણાવાયું હતું. દાનની રકમ મામલે ભાજપ બાદ કોંગ્રેસ બીજા સ્થાને રહી હતી. કોંગ્રેેસને ૧૨૨ કોર્પોરેટ દાનમાંથી રૂા. ૧૨૨.૫ કરોડની આવક થઈ હતી. જ્યારે એક દાતા તરફથી તૃણમુલ કોંગ્રેસને રૂા. ૪૨.૯ કરોડ તેમજ ૧૭ દાતાઓ તરફથી એનસીપીને રૂા. ૧૧.૩ કરોડ મળ્યા હતા. ૬૨ દાનવીરો તરફથી સીપીએમને રૂા. ૧.૧૮ કરોડનું દાન મળ્યું હતું.