(એજન્સી) દિલ્હી,તા.૧૭
દેશમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકાર વચ્ચે રાજ્યસભામાં પણ તેના પર ચર્ચા થઈ હતી. જેનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારત પણ અન્ય દેશોની જેમ વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પીએમના માર્ગદર્શનમાં નિષ્ણાતોનુ એક જૂથ આ બાબત પર નજર રાખી રહ્યુ છે. ભવિષ્ય માટે આપણી પાસે ઘણી સારી યોજનાઓ છે. આશા છે કે, ૨૦૨૧ની શરુઆતમાં ભારતમાં કોરોનાની વેક્સિન લોન્ચ થઈ ચુકી હશે. તેમણે કહ્યુ હતુ કે, કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ઓછી છે અને તેના પ્રસારને રોકવા માટે સરકારે લીધેલા પગલા સફળ થયા છે.દેશના ૧૩ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે પણ દુનિયાના બીજા દેશો કરતા અહીંયા સ્થિતિ વધારે સારી છે.કોરોનાના મોટાભાગના કેસ અને મોત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, આસામ, કેરલ, પશ્ચિમ બંગાળ, ગુજરાત , બિહાર, જેવા રાજ્યોમાં નોંધાયા છે. ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, કોરોનાની મહામારી સાથે લડવામાં સરકારે મોડુ કર્યુ નથી.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૭ જાન્યુઆરીએ કોરોના વાયરસનો ઉલ્લેખ કર્યો હતો અને અમે આઠ જાન્યુઆરીથી બેઠકો શરુ કરી દીધી હતી.