(એજન્સી) તા.૩૧
યુનિસેફે કહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય, નાઈજિરિયાના પૂર્વોત્તર વિસ્તાર, મધ્ય સહેલ, દક્ષિણ સુદાન અને યમનમાં એક કરોડથી પણ વધુ બાળકો અત્યંત ગંભીર કૂપોષણ સામે ઝઝૂમશે.
યુનિસેફે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે જો તાત્કાલિક ધોરણે કોઈ મજબૂત પગલાં નહીં ભરવામાં આવે તો આ સંખ્યા હજુ પણ વધી શકે છે. યુએન એજન્સી અનુસાર આ તમામ દેશો અને ક્ષેત્રોમાં ગંભીર માનવીય સંકટની સ્થિતિ છે. ખાદ્ય અસુરક્ષા, કોરોના વાયરસની મહામારીની સ્થિતિ પણ વધુ ગંભીર બની શકે છે અને મધ્ય સહેલ ઉપરાંત અન્ય દેશો અને ક્ષેત્રોમાં અકાળ એકદમ અણીએ છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરિએટા ફોરે કહ્યું કે યુદ્ધ, કુદરતી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જની અસર સામે ઝઝૂમનારા દેશો માટે કોવિડ-૧૯એ એક કૂપોષણ સંકટને તાત્કાલિક આપત્તિમાં રૂપાંતરિત કરી દીધું છે. તેમણે કહ્યું કે ઘણાં પરિવાર જે પહેલાથી જ પોતાના બાળકો અને ખુદને ભરપેટ ભોજન આપવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે તે ભૂખમરાની અણીએ પહોંચી ગયા છે. આપણે તેમને ૨૦૨૦ના પીડિત તરીકે ભૂલાવીને ન છોડી શકીએ. નાઈજિરિયામાં ૮ લાખથી પણ વધુ બાળકો ગંભીર કૂપોષણના શિકાર છે. તેમાં લગભગ ૩ લાખથી વધુ એવા બાળકો પણ છે જે અત્યંત ગંભીર કૂપોષણનો સામનો કરી રહ્યા છે અને ગમે ત્યારે તેઓ મોતના મૂખ સુધી સરી જઇ શકે છે.