(એજન્સી) નવી દિલ્હી,તા.૨
ખરીફ પાકો માટે નવા લઘુતમ ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા બાદ કોંગ્રેસે મંગળવારે જણાવ્યું હતું કે, ખેડૂતો લોકડાઉન, તીડનો હુમલો અને વાવાઝોડાને કારણે અણધારી કટોકટીનો સામનો કરતા હોવાથી તેમની તમામ આશાઓ ધરાશાયી થઇ ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું છે કે, ખેડૂતો પ્રત્યે જો આ સરકારનું વલણ છે તો ૨૦૨૨ સુધી ખેતીની આવક બમણી કરવાનો તેમનો વાયદો વધુ એક ‘જુમલા’ પર સમાપ્ત થશે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, કમનસીબે વધુ રાહતોની અપેક્ષા રાખી રહેલા ખેડૂતોની તમામ આશાઓ કેન્દ્ર દ્વારા ધરાશાયી કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, નફાને તો ભૂલી જાવ પરંતુ ખરીફ એમએસપીમાં આ કહેવાતો વધારો તેમના નુકસાન અને દેવાની પણ ભરપાઇ કરી શકશે નહીં.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેન્દ્રીય કેબિનેટ સમિતીએ ૨૦૨૦-૨૧ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકોમાં સમાવિષ્ટ તમામ એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. ખેત પેદાશો માટે ખેડૂતોને યોગ્ય મહેનતાણાની ખાતરી કરવા ૨૦૨૦-૨૧ની માર્કેટિંગ સીઝનની માટે ખરીફ પાકોના એમએસપીમાં સરકારે વધારો કર્યો હતો. નાઇઝર સીડ માટે એમએસપીમાં સૌથી વધુ વધારો રૂપિયા ૭૫૫ પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. જે બાદ તલમાં ૩૭૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને લાંબા રેસાના કપાસમાં ૨૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં વધારો કરાયો છે.