દાહોદ, તા.૩૧
માત્ર ૨૦ રૂપિયા માટે ૫ વર્ષીય માસુમ ભત્રીજા પાસે કરેલ માંગણી ન સંતોષાતા ઉશ્કેરાયેલા કુટુંબી કાકાએ ધારીયાના ઘા ઝીંકી ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યાના દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગણાવા ફળીયામાં બનેલ ચકચારી બનાવ પોલિસ ચોપડે નોંધાયાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલકાના વરમખેડા ગામના ગણાવા ફળીયામાં રહેતા ૫૮ વર્ષીય મનુભાઇ નારુભાઇ ગણાવાના છોકરા લાલુભાઇ મનુભાઇ ગણાવાનો છોકરો ૫ વર્ષીય અંકીત લાલુભાઇ ગણાવા ગત રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે લઈ પોતાના ઘરેથી ૨૦ રૂપિયાની નોટ લઈ તેના ફળીયામાં આવેલ દુકાને બિસ્કીટ લેવા જઇ રહયો હતો તે વખતે બાલવાડી પાસે મળેલા અંકીતના કુટુંબી કાકા કીરણભાઇ સંધ્યાભાઇ ગણાવાએ ભત્રીજા પાસે રૂપિયા ૨૦ ની નોટ જાતાંજ તે નોટની માંગણી કરતાં અંકીતે તે રૂપિયાની નોટ આપવાની નાપાડી દેતાં કુટુંબી કાકો કીરણભાઇ ગણાવા ઉશ્કેરાયો હતો અને તેની પાસેના ધારીયા વડે માસુમ બાળક અંકીતના માથામાં જમણા કાન પાછળ ગરદનના ભાગે તથા ડાબા કાનની ઉપર ઘા ઝીકી ગંભીર જીવલેણ ઇજાઓ પહેંચાડી સ્થળ પરજ મોતને ઘાટ ઉતાર્યા પછી પકડાઇ જવાના ડરથી તે ત્યાંથી નાસી ગયો હતો કુટુંબી કાકાએ કરેલ માસુમ ભત્રીજાની હત્યાના બનાવની જાણ માસુમના ઘરવાળા ઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ગામના સરપંચ તેમજ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને કરતાં પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચોરૂબરુ મૃતક ૫ વર્ષીય અંકીત ગણાવાની લાશનું પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ સંબંધે મનુભાઇ નારૂભાઇ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.