નવી દિલ્હી,તા.૯
આર્થિક સ્થિતિને લઇને સરકાર પર નિશાન સાધતા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇકોનોમી સીરિઝનો અંતિમ વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ વીડિયો ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, અચાનક કરવામાં આવેલો લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયું છે. વચન આપ્યું હતું કે, ૨૧ દિવસમાં કોરોના ખત્મ થઇ જશે પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગોને ખત્મ કરી દીધા. મોદીનો જનવિરોધી ડિઝાસ્ટર પ્લાન જોવા માટે આ વીડિયો જુઓ.
ઇકોનોમી સીરિઝના અંતિમ વીડિયોમાં રાહુલ ગાંધીએ અસંગઠિત ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોનાના નામ પર જે કર્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજો હુમલો હતો. ગરીબ લોકો રોજ, નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે. જ્યારે તમે કોઇ પણ પ્રકારના નોટિસ વિના લોકડાઉન કર્યુ, તમે તેના પર આક્રમણ કર્યું. વડાપ્રધાને કહ્યું હતું કે, ૨૧ દિવસની લડાઇ હશે, અસંગઠિત ક્ષેત્રનું કરોડરજ્જુ ૨૧ દિવસમાં તૂટી ગયું. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન બાદ ખોલવાનો સમય આવ્યો. કોગ્રેસની પાર્ટીએ એકવાર ફરી અનેકવાર સરકારને કહ્યું કે, ગરીબોની મદદ કરવી પડશે. ન્યાય યોજના જેવી એક યોજના લાગૂ કરવી પડશે, બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા નાખવા પડશે, પણ કરવામાં ના આવ્યું. અમે કહ્યું કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એક પેકેજ તૈયાર કરો, તેમને બચાવવાની જરૂર છે. રૂપિયા વિના તે બચશે નહીં. પરંતુ સરકારે ૧૫-૨૦ અમીર લોકોનો લાખો કરોડોનો ટેક્સ માફ કરી દીધો.