(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સમાજસેવી અન્ના હજારેએ ૨૩ માર્ચે રાજધાની દિલ્હીમાં એક મોટી ખેડૂત રેલી યોજવાની જાહેરાત કરી છે. હજારેએ કહ્યું કે રેલીમાં ખેડૂતલક્ષી સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રની સેવા કરનાર ખેડૂતોને પેન્શન પણ મળવું જોઈએ તેવું તેમણે કહ્યું. હજારેએ જાહેરાત કરી કે નવી દિલ્હીના રામ લીલા ગ્રાઉન્ડ પર ૨૩ માર્ચના રોજ એક મોટી ખેડૂત રેલી યોજવામાં આવશે. હજારેએ મંગળવારે ચિત્રદુર્ગમાં મુરુઘા મઠની મુલાકાત લીધી હતી અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં ૧૨ લાખ ખેડૂતો છે જેમને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય મળતી નથી. કૃષિ ક્ષેત્ર ગરીબમાં સબડી રહ્યું છે. દેશના ખેડૂતોની દુર્દશા પરત્વે સરકારનું ધ્યાન દોરવા માટે ખેડૂત રેલીનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બંધારણમાં ફેરફાર કરવાની ટીપ્પણી પર બોલતાં હજારેએ કહ્યું કે આપણું બંધારણ પર્યાપ્ત છે. તેમાં દરેકને જીવન જીવવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે, તેમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. કોઈ વ્યક્તિ બંધારણને ન બદલી શકે.