(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
દેશમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વિતેલા ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસો ૨૪,૦૧૦ નોંધાયા છે તેમજ વધુ ૩૫૫ દર્દીનાં મોત થયા હોવાનું જણાયું છે. છેલ્લા થોડાક દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિત લોકોની સંખ્યા ૩૦ હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૪,૦૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૫૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૯,૫૬,૫૫૭ થઈ ગઈ છે. દેશમાં કરોનાની મહામારી સામે લડીને ૯૪ લાખ ૮૯ હજાર ૭૪૦ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૩,૨૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૨૨,૩૬૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૪,૪૫૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આઈસીએમઆરએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૭૮,૦૫,૨૪૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ રવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૧,૫૮,૯૬૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૫.૩૧ ટકા રહ્યો છે જ્યારે મૃત્યુદર ૧.૪૫ ટકા નોંધાયો છે.