(એજન્સી)
નવી દિલ્હી, તા. ૯
ભારતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, કોરોના એક્ટિવ કેસની સંખ્યા નવ લાખથી નીચે આવી ગઈ છે. જ્યારે ૬૦ લાખની નજીક લોકોએ કોરોના વાયરસને માત આપી છે. કોરોનાના કુલ કેસની સંખ્યા ૬૯.૩૫ લાખ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૭૦,૪૯૬ કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન કોરોનાથી ૭૮,૩૬૫ લોકો સાજા થયા છે. સાજા થવાનો દર ૮૫.૫ ટકા રહ્યો છે. આ સાથે દેશમાં ૯૬૪ લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ ૧,૦૬,૪૯૦ લોકોમાં મૃત્યું થયા છે. દેશમાં મોતની ટકાવારી ૧.૫ ટકા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ૮,૮૪,૬૦૦ પર પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬૯,૩૫,૮૩૪ થઈ છે. જેમાંથી કુલ ૫૯,૪૪,૩૫૦ દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૪.૯૩ લાખ થઈ ગઈ છે જેમાં ૩૯૪૩૦ લોકોના મોત થયા છે. કેરળમાં ૧૭ દિવસ બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. તામિલનાડુની વાત કરવામાં આવે તો અહીં મોતનો આંકડો ૧૦ હજારને પાર કરી ગયો છે. નવી દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખ થઈ ગઈ છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના નવાં ૨,૭૨૬ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ગુરુવાર સુધી કોરોનાના ત્રણ લાખ ૮૩૩ કેસ નોંધાયા છે. દિલ્હીમાં દર્દીઓની સંખ્યા એક લાખ પહોંચતા ૧૨૬ દિવસ લાગ્યા હતા. બાદમાં એક લાખમાંથી બે લાખ સુધી પહોંચવામાં ૬૫ દિવસ લાગ્યા હતા. હવે બે લાખમાંથી ત્રણ લાખ કેસ થવામાં ફક્ત ૨૯ દિવસ લાગ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યાંક ૫,૬૯૨ થઈ છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી ૨,૭૬,૦૪૬ લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોવિડ ૧૯નો પ્રથમ કેસ બીજી માર્ચના રોજ આવ્યો હતો.