નવી દિલ્હી,તા.૨૫
ફોર્બ્સે દુનિયાની સૌથી વેલ્યૂએબલ ટીમ-૨૦૧૯ની સૂચિ બહાર પાડી દીધી છે. ટોપ-૧૦માં દુનિયાના માત્ર ૩ ફૂટબોલ ક્લબને સ્થાન મળ્યું છે. તેમાંથી ૨ સ્પેનના રિયલ મેડ્રિડ અને બાર્સેલોના છે. ત્રીજી ટીમ ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર યુનાઇટેડ છે. પ્રથમ સ્થાને અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)ની ડલાસ કાઉબોય્સ છે. તેની કિંમત ૩૫ હજાર કરોડ રૂપિયા છે. રિયલ મેડ્રિડની કિંમત ૨૯ હજાર કરોડ રૂપિયા છે. તે ત્રીજા સ્થાને છે. બાર્સેલોનાની ટીમ ૨૭ હજાર કરોડની કિંમત સાથે સૂચિમાં ચોથા સ્થાને છે.
ફોર્બ્સની આ લિસ્ટમાં ૫૦ ટીમોનો સમાવેશ થયો છે. તેમાં એક પણ ક્રિકેટ ટીમ નથી. એનએફએલની સૌથી વધુ ૨૯ ટીમોનો આ સૂચિમાં સમાવેશ થાય છે. ગયા વર્ષે તેની સંખ્યા ૨૬ હતી. મેજર લીગ બેઝબોલ (એમએલબી)ની ૮ ટીમોને આમાં સ્થાન મળ્યું છે.
લિસ્ટમાં ફૂટબોલની ૭ ટીમ છે. ગયા વર્ષે ફૂટબોલની ૮ ટીમોનો આ સૂચિમાં સમાવેશ થતો હતો. નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)ની ૬ ટીમો આ સૂચિમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ગયા વર્ષે ૭ ટીમોને આ સૂચિમાં સ્થાન મળ્યું હતું.