જૂનાગઢ, તા.૧૪
ગુજરાત સરકારના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-ર૦૦૦ બાદ સરકારના હુકમથી કોઈપણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડ્યુટીની રકમથી ઓછી રકમના સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું આ આવકારદાયક પગલું છે. પરંતુ ૧૯૪૭થી આ જ સુધીમાં અપૂરતી સ્ટેમ્પ ડ્યુટી અંગેના અનેક વિવાદ તુમારમાં પેન્ડિંગ છે. ભૂતકાળમાં સરકારે પ૦ ચો.મી.ના બાંધકામ સહિતના તેમજ ૧૦૦ ચો.મી.ના બાંધકામ સહિતના દર્તાવેજો તા.૩-૭-૧૯૯૮થી બે વર્ષ માટે મુક્તિ આપેલ. આ સમયગાળામાં પણ વહીવટી તંત્ર દ્વારા નાની-મોટી ટેકનિકલ બાબતો ઊભી કરી. અનેક દસ્તાવેજો પેન્ડિંગ રાખેલ છે. ત્યારબાદ ૧૯૯૮થી ર૦૦૩ સુધીમાં સરકાર દ્વારા વિવિધ સ્ટેમ્પ ડ્યુટીના કેસના તુમારમાં નિકાલ માટે ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના પ૦ ટકા માફી ૩૦ ટકા માફી, જેવી યોજનાઓ ર૦૦૩ સુધી લાવેલ. આ યોજનામાં માત્ર ર૦ ટકા કેસોનો નિકાલ થયેલ. કારણ કે આ યોજનાની બહોળી પ્રસિદ્ધિ થયેલ નહીં. ભાજપ અગ્રણી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન ભરત ગાજીપરાએ મુખ્યમંત્રી, નાણામંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરી. આ તુમારમાં નિકાલ કરવા સરકાર કોઈપણ પ્રકારની એમ્નેસ્ટી સ્કીમ ભૂતકાળની માફક ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રપ ટકા રકમ અને વ્યાજ માફ જેવી જાહેરાત કરે તેમજ ભૂતકાળમાં પ૦ મીટર અને ૧૦૦ મીટરના બાંધકામ સહિતના મકાનોના સેંકડો અટકેલ દસ્તાવેજોમાં કોઈ ટેકનિકલ બાબતો જોયા વિના રૂા.પ૦૦ કે ૧૦૦૦ વસૂલ લઈ આ દસ્તાવેજો મુક્ત કરવા જોઈએ તેવી માગણી અને રજૂઆત ભરત ગાજીપરાએ કરેલ છે.
સરકાર આ સંદર્ભે નક્કર યોજના કરશે તો હાલના બે દાયકા જૂના ૯૦ ટકાથી વધુ કેસો પૂર્ણ થાય તેમ છે અને સરકારને સારી એવી આવક પણ થશે. સરકાર જે યોજના જાહેર કરે તેની વ્યાપક પ્રસિદ્ધિ અથવા ઈફેકટેડ પક્ષકારોને જાણ કરવી જરૂરી છે. બે દાયકા જૂના સ્ટેમ્પ ડ્યુટીના તુમારમાં કાયદાકીય વિચિત્રતા એ છે કે, જેણે મિલકત વેચી નાખી છે તેવા ૮૦ ટકાથી વધુ લોકોના કેસ એકતરફી ચાલે છે અને જે હુકમ થાય તે રકમ જેની સામે કેસ ચાલેલ છે તેને ભરવાની થતી નથી અને પ્રમાણિકતાથી પુરતી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ મિલકત ધારકના ખાતામાં આવી રકમો બાકી લેણા તરીકે ઉધારવામાં આવે છે. તે ન્યાયી અને વ્યાજબી નથી. તેમજ અનેક કિસ્સા એવા છે કે ત્રણથી પાંચ વખત પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી મિલકતોની ફેરબદલ થયેલ છે તેવા કિસ્સામાં પણ બે દશકા પછી જૂના કેસ ચલાવી મૃત વ્યક્તિના બાકી લેણાઓ પણ હાલના મિલકતધારક ઉપર નાખવામાં આવે છે. સરકાર ચોક્કસ યોજના બનાવી આવા કેસોની લોક અદાલત પણ કરી શકે. સરકાર આ તુમારનો નિકાલ આપી શકે તેમ છે અને જરૂરિયાત છે. આ તુમારમાં નિકાલ થાય તો પ્રત્યેક જિલ્લાનો ૩ર(ક) સ્ટેમ્પ ડ્યુટીનો સ્ટાફ મુક્ત થાય તેમ છે અને સરકાર તેનો બીજે ઉપયોગ કરી શકે તેમ છે તેમ ભરત ગાજીપરાએ જણાવતા ઉમેર્યું છે કે, આ બાબતે કોઈને કોઈ સવાલ કે પૂછપરછ હોય તો મો.નં. ૯૯રપપ૭પર૪૧ ઉપર માર્ગદર્શન મેળવી શકે છે.