(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૦
આયકર વિભાગ દ્વારા બે મહીના પહેલા મોકલવામાં આવેલી આશરે ત્રણ હજાર જેટલી નોટીસોમાંથી સાતસો જેટલી નોટિસો પરત આવી છે. જે નોટીસો પરત આવી છે તેવા કરદાતાઓ પાસે આયકર વિભાગને કરોડો રૂપિયાની વસૂલાત કરવી છે પરંતુ તેઓ આયકર વિભાગને શોધ્યે જડતા નથી. આયકર વિભાગ દ્વારા તેમને જે સરનામા પર નોટિસો મોકલવામાં આવી છે તેમાંથી મોટાભાગના સરનામાં અધૂરા હતા અથવા તો કરદાતાઓ તે સરનામા પરથી શિફટ થઇ ગયા હોવાથી આયકરની નોટિસો પરત આવી છે.
આયકર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ આયકર વિભાગ દ્વારા સ્ક્રૂટનીમાં સિલેક્ટ થયેલા જે કેસોના નિકાલ માટેની અંતિમ તારીખ ૩૦ જૂન હતી તેવા અને નોટબંધીના દિવસોમાં જે લોકોઍ મોટી રકમ બેંકોમાં જમા કરાવી હતી અને રિટર્ન ફાઇલમાં તેની માહિતી છૂપાવી હતી તેવા આશરે ત્રણ હજારથી વધારે કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં મોટાભાગના કરદાતાઓ આયકર વિભાગ સમક્ષ હાજર થઇ તેમના જવાબો લખાવ્યા હતા અને અન્ય કાર્યવાહીઓ કરી રહ્યા છે જ્યારે આશરે ૭૦૦ જેટલા કરદાતાઓ ગાયબ થઇ ગયા છે. આયકર વિભાગ દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસો પરત આશ્વવી રહી છે. કુરિયર મારફત મોકલવામાં આનેલી નોટિસો પરત આવતા આયકર અધિકારીઓદ્વારા ઇન્સપેક્ટર મોકલવામાં આવ્યા હતા પરંતુ નોટિસમાં બતાવેલા મોટાભાગના સરનામાં અધૂરા હોવાથી ઇન્સપેક્ટર્સને પણ સફળતા મળી નથી, તે ઉપરાંત કેટલાક સરનામાં પર તો કરદાતાઓ મળ્યાજ નહતા તેઓ અન્ય શિફટ કરી ગયા હોવાથી હવે આયકર વિભાગ સામે સમસ્યા ઊભી થઇ છે. જે કરાદાતઓનો આયકર વિભાગ નોટિસ પહોચાડી શક્યુ નથી તેમાંથી કેટલાક કરદાતાઓ ઍવા છે કે જેમની પાસેથી આયકર વિભાગને કરોડો રૂપિયાની વસૂલાત કરવી છે.