(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
ગણદેવી તાલુકા દેવધા ગામે અનાવિલ મહોલ્લામાં રહેતા વૃદ્ધ હોટલ માલિક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા બાદ આજે તેમની ચીખલી તાલુકાના બારોલીયા ગામની સીમમાં હત્યા કરી દાટી દેવામાં આવેલી લાશ મળી આવી હતી. પોલીસે બે શકમંદોની ધરપકડ કરી દાટી દીધેલી લાશ કાઢવાની કામગીરી હાથ ધરી છે. જેને પગલે ચકચાર મચી છે.પોલીસ દ્વારા મળતી ટૂંકી વિગત એવી છે કે, ગણદેવી તાલુકાના દેવધા ગામે અનાવિલ મહોલ્લામાં રહેતાં ભરતભાઈ રણછોડજી નાયક (ઉ.વ.૬૭) ગત. તા.૩૧-૧૨-૨૦૧૯ના રોજ પોતાના ઘરેથી બે કલાક માટે બહાર જવાનો છું કહી ગયા બાદ મોડી રાત્રિ સુધી ઘરે પરત ન આવતા ભેદી રીતે લાપતા બન્યા હતા. આથી તેના પરિવારજનોમાં ચિંતાનું મોજુ વ્યાપી ગયું હતું. આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં ભરતભાઈના ગુમ થવા અંગે તેમના પુત્ર કુંતલ ભરતભાઈ નાયકે ફરિયાદ નોદ્વધાવી હતી. ગણદેવી પોલીસ દ્વારા હોટલ માલિક ભરતભાઈ નાયકશ્વના ભેદી રીતે ગુમ થવાના પ્રકરણમાં તેમાં ફોન લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી માહિતી મુજબ પોલીસે બે શકમંદોની અટકાયત કરી ભરતભાઈના ગુમ થવા અંગે કડક પૂછપરછ કરતા આરોપી શકમંદો દ્વારા મંત્ર તંત્રમાં પૈસા પડાવવાના ચક્કરમાં ચીખલી તાલુકાના અંતરીયાળ વિસ્તારના બારોલીયા ગામની સીમમાં ૩,૦૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી ભરતભાઈએ પૈસા ન આપતા મૂઢ માર મારી ભરતભાઈની હત્યા કરી હતી. અને બારોલીયા ગામની સીમમાં લાશ દાટી દીધી હતી. એવી કબુલાત કરતા ગણદેવી પોલીસ એસીબી પોલીસ અને ડોગ સ્કવોર્ડ ઘટના સ્થળે ધસી જઈ લાશ કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.આ બનાવ અંગે ગણદેવી પોલીસે હત્યાનો ગુનો નોંધી બે શકમંદોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.