પાટણ, તા.૩૧
કોરોના મહામારીને અટકાવવાના ભાગરૂપે નવા વર્ષની જાહેરમાં ઉજવણી ન થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ માટેનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને શહેરના આવતા જતા પ્રવેશદ્વાર અને જિલ્લાના હાઈવે-માર્ગો પર ચેકપોસ્ટો ઊભી કરી આવતા-જતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું હતું. ૩૧મી ડિસેમ્બરે થતા વિવિધ કાર્યક્રમો જાહેરમાં ન થાય, લોકોની ભીડ એકઠી ન થાય તે માટે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જિલ્લામાં ૩૧મી ડિસેમ્બરની જાહેરમાં થતી ઉજવણીને રોકવા માટે બે દિવસનો એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં ખાસ કરીને વિદેશી દારૂની હેરાફેરીને અટકાવવા માટે શહેરના આવતા જતા પ્રવેશદ્વારો અને જિલ્લાના હાઈવે-માર્ગો ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદેશી દારૂની હેરાફેરી અને અન્ય શહેરમાંથી ઉજવણી અર્થે જિલ્લામાં કોઈ પ્રવેશે નહીં તે માટે અલગ-અલગ ૪૬ જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. દારૂ પીધેલાઓને પકડવા માટે પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવી રહ્યા છે.