(એજન્સી) તા.ર૬
કેદ્ર સરકારે ૧૨૦૦૦ વર્ષ પૂર્વેની ભારતીય સંસ્કૃતિની ઉત્પત્તિ અને વિકાસનો અભ્યાસ કરવા માટે એક નિષ્ણાંતોની સમિતિની રચના કરી છે. ઓછામાં ઓછા ૩૨ સાંસદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનો અભ્યાસ કરવા કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી આ નિષ્ણાંતોની સમિતિને ભંગ કરવામાં તેમના હસ્તક્ષેપ અને સલાહની માગ કરી હતી. તેમનું કહેવું છે કે તેના સભ્ય દેશના બહુલતાવાદી સમાજને પ્રતિબિંબિત નથી કરતા. ૨૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલાયેલા પત્રમાં લખાયું હતું કે અમે તમારું ધ્યાન આકર્ષિત કરવા માગીએ છીએ કે ૧૬ સભ્ય ધરાવતા અધ્યયન સમૂહમાં એવા બહુલતાવાદી સમાજનું પ્રતિબિંબ જ નથી. દક્ષિણ ભારતીય, પૂર્વોત્તર ભારતીય, લઘુમતીઓ, દલિત અને મહિલાઓ તેમાં સામેલ જ નથી. ઉપરોક્ત સમિતિના લગભગ તમામ સભ્ય એક નક્કી વિશિષ્ઠ સામાજિક સમૂહ સાથે સંકળાયેલા છે જે ભારતીય સમાજની જાતિ પદાનુક્રમમાં ટોચ પર છે. પત્રમાં કહેવાયું છે કે સમિતિ પાસે તમિલ સહિત દક્ષિણ ભારતીય ભાષાઓના શોધકર્તા નથી. જેમનો ગૌરવશાળી ઈતિહાસ છે અને જેને કેન્દ્ર સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા અપાઈ છે. ૧૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહ્‌લાદ પટેલે એક લેખિત જવાબના માધ્યમથી સંસદમાં કહ્યું હતું કે ૧૨૦૦૦ વર્ષ પહેલાંથી ભારતીય સંસ્કૃતિની ઉત્પત્તિ અને વિકાસનો અભ્યાસ કરવા માટે એક નિષ્ણાંતોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના સભ્યો તરીકે અપાયેલા નામમાં કે.એન.દીક્ષિત (ભારતીય પુરાતત્વ સોસાયટીના અધ્યક્ષ), આર.એસ. બિષ્ટ (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પૂર્વ સંયુક્ત મહાનિર્દેશક), બી.આર. મણિ (નેશનલ મ્યૂઝિયમ, દિલ્હીના પૂર્વ મહાનિર્દેશક), સંતોષ શુક્લા (સંસ્કૃત અભ્યાસ માટે વિશેષ કેન્દ્ર, જેએનયુ), પી.એન. શાસ્ત્રી (રાષ્ટ્રીય સંસ્કૃતિ સંસ્થાનના કુલપતિ), એમ.આર. શર્મા (સંગમર્ગ વિશ્વ બ્રાહ્મણ મહાસંઘના અધ્યક્ષ) અને રમેશ કુમાર પાંડે (કુલપતિ, લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ) સામેલ છે. અહેવાલ અનુસાર ૨૦૧૬માં એક સમાન સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં આ સભ્યો સામેલ હતા પણ સમિતિ એક વર્ષની સમયમર્યાદામાં રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. સમિતિનો વિરોધ કરતાં સાંસદોએ પૂછ્યું કે શું ભારત વિંધ્ય પર્વતથી નીચે નથી ? શું વૈદિક સભ્યતા ઉપરાંત કોઈ સભ્યતા નથી ? શું સંસ્કૃતિ ઉપરાંત અહીં કોઈ પ્રાચીન ભાષા નથી ?