નવીદિલ્હી,તા. ૩૧
૩૫ વર્ષના લાંબાગાળા બાદ આજે સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્ર આજે દરરોજની સરખામણીએ ૧૪ ગણો વધારે મોટો અને ૩૦ ટકા વધારે ચમકદાર દેખાયો હતો. આ ઘટનાને નાસા વૈજ્ઞાનિકોએ સુપર બ્લુ મુન નામ આપ્યું છે. અદ્‌ભુત ખગોળિય ઘટનાને નિહાળવા માટે વૈજ્ઞાનિકો પહેલાથી જ કમરકસી ચુક્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ જોવા મળનાર છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૩૭માં પણ બ્લૂમૂન જોવા મળશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સાંજે ૬.૨૦ વાગ્યાની આસપાસ શરૂ થઇ ગયું હતું. પૂર્વ દિશામાં ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય તેવી સ્થિતિ હતી. અમદાવાદ શહેરમાં સાંજે ૬.૨૦ વાગ્યાથી આની શરૂઆત થયા બાદ ૯.૪૦ વાગ્યા સુધી તેની અસર રહી હતી. દુનિયામાં ૧૫૦ વર્ષ બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. બ્લૂ મૂન, બ્લડ મૂ અને સુપર મૂન એક સાથે દેખાયા હતા. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહ્યું હતું. જેના ભાગરુપે ચંદ્ર પૃથ્વીના પડછાયાથી અમુક સમય માટે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આ ગ્રહણ આજે સમગ્ર દેશમાં દેખાયું હતું. ચંદ્ર તેના સામાન્ય આકારથી મોટો દેખાય તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની ખુબ નજીક રહે છે. એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે ત્યારે આ સ્થિતિને બ્લૂ મૂન કહેવામાં આવે છે. બીજી જાન્યુઆરીએ પૂનમ આવી હતી. આજે ૩૧મી જાન્યુઆરીએ પણ પૂનમ હતી. નાસાના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ બ્લૂ મૂન અઢી વર્ષમાં એક વખત જોવા મળે છે. આ ગાળા દરમિયાન ચંદ્રનો નીચેનો હિસ્સો તેના ઉપરના ભાગથી વધારે ચમકદાર દેખાય છે. ચંદ્રગ્રહણને લઇને વૈજ્ઞાનિકો સવારથી જ સક્રિય થયેલા હતા. ભારત સિવાય આ ગ્રહણ એશિયા, રશિયા, મંગોલિયા, જાપાન, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું હતું. ઉત્તર અમેરિકા, કેનેડા અને પનામામાં પણ તેની અસર દેખાઈ હતી. ગ્રહણ શરૂ થયા બાદ આસામ, અરુણાચલ, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં આ નજારો જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણની જુદી જુદી રાશિઓ ઉપર સીધી અસર થઇ હતી. ચંદ્રગ્રહણના પરિણામ સ્વરુપે આજે અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં પણ મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જુદી જુદી રાશિ ઉપર તેની અસર દેખાઈ રહી છે. મકર રાશિ સાથે જોડાયેલા લોકો માટે ચંદ્રગ્રહણ શુભ નથી. દાંમ્પત્ય જીવનમાં પારસ્પરિક તાલમેલનો અભાવ જોવા મળી શકે છે. કુંભ રાશિ સાથે જોડાયેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.