(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
૩૫ વર્ષના લાંબા સમયગાળા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ વિંગ (એએમયુએસયુએ) સોમવારે એક મહિલાને આજીવન સભ્યપદ આપ્યું તથા ગુજરાતના કોમી તોફાનોના કેસો લડી રહેલા સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડનું બહુમાન કર્યું. એએમયુએસયુ પ્રમુખ મશકુર અહેમદ ઉસ્માનીએ કહ્યું કે ૧૯૮૩ માં આજીવન સભ્યપદ હાંસલ કરનાર મધર ટેરેસા છેલ્લા મહિલા હતા. સરોજિની નાયડુ તથા રાજકુમારી કૌર સહિત કુલ પાંચ મહિલાઓનું અત્યાર સુધી બહુમાન થઈ ચુક્યું છે. તેમણે કહ્યું કે ફાસીવાદ અને નબળા લોકોના અધિકારો માટેની લડાઈ લડવા બદલ તીસ્તા સેતલવાડને યુનિયનનું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે. સમારોહ બાદ, સેતલવાડે કહ્યું કે આવું બહુમાન મેળવીને અત્યંત આનંદ થયો અને આ એક ગૌરવની વાત છે કારણ કે આજીવન સભ્યપદ મેળવનાર લોકોમાં મહાત્મા ગાંધી, મોલાના આઝાદનો સમાવેશ થાય છે. તીસ્તાએ કહ્યું કે મારે મારી લડાઈ અને કામ ચાલુ રાખવું પડશે આ બહુમાન મારા નૈતિક બળ વધાર્યું છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સેતલવાડને એક નવી નોટીસ જારી કરી હતી. ૨૦૧૧ માં ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં તેમને નોટીસ પાઠવવામાં આવી જેમાં ૨૦૦૨ ના કોમી તોફાનોના પીડિતો વતી ખોટી એફિડેવિટ તૈયાર કરવાના ગુના સબંધિત આપવામાં આવેલા વચગાળાના જામીન રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટની નોટીસ વિશે બોલતાં તેમણે કહ્યું કે મારા જેવા લોકોને નિરૂત્સાહિત કરવાનો સરકારનો આ એક પ્રયાસ છે. તેમણે આવું કઈ પહેલી વાર કર્યું નથી. સામાજિક કાર્યકર તીસ્તા સેલલવાડ કે જેઓ ગુજરાતના ૨૦૦૨ ના કોમી તોફાનોમાં કોમી હિંસાનો ભોગ બનેલા લોકોને ન્યાય માટેની ઝૂબેશ ચલાવી રહ્યાં છે તેમણે એએમયુ ખાતે ભારતના આમુખ સમાનતા પડકાર પર એક ભાષણ આપ્યું હતું. અને કહ્યું હતું કે જો લઘુમતીને અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો હોય તો ભારત નબળું પડશે અને વિભાજનકારી તાકાતો મજબૂત બનશે.