ભારતનો પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય, મયંક, પૂજારા, કોહલી,રહાણે જેવા દિગ્ગજ બેટ્‌સમેનોનો ફ્લૉપ શૉ

ઓસ્ટ્રેલિયાએ ભારતને ૮ વિકેટે હરાવ્યું, હેઝલવૂડની ૫ અને કમિન્સની ચાર વિકેટે ભારતની કમર તોડી નાંખી, બીજી ઇનિંગ્સમાં ભારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, અગાઉ ૧૯૪૭માં  ઈંગ્લેડ સામે લોર્ડ્‌સ મેદાનમાં ભારતીય ટીમ ૪૨માં ઓલઆઉટ થઈ હતી, ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ, બીજી ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે

એડિલેડ,તા.૧૯
ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી જ એડિલેડ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ૮ વિકેટે નાલેશીજનક પરાજય આપ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ વિકેટે ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ ટીમ પેનની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ ૪ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન ટીમ પેઇનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેપ્ટન વિરાટ કોહલી હવે ભારત પરત ફરશે. તેની પત્ની અનુષ્કા શર્મા પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી તે ભારત આવવાનો છે. બીજી તરફ રોહિત શર્મા હજી ક્વોરેન્ટિનમાં છે અને બીજી ટેસ્ટમાં તે રમી શકે તેવી શક્યતા ઓછી છે. આ ઉપરાંત અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો છે અને તે આગામી મેચમાં રમશે કે નહીં તેની સમે પ્રશ્નાર્થ છે. કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્‌ રાખ્યો છે. તેઓ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. ૯૦ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ૨૧ ઓવર લીધી હતી. જેમાં ૨ વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. જો બર્ન્સે ૫૧ અને મેથ્યુ વેડે ૩૩ રને અણનમ રહ્યાં હતાં. ભારત માટે રવિચંદ્રન અશ્વિને ૧ વિકેટ લીધી હતી. આ સાથે કાંગારુંએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત રાખ્યો છે. ભારત સામેના આ વિજય સાથે જ અઓસ્ટ્રેલિયા પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હાર્યું છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ બંને ટેસ્ટ ત્રણ દિવસની અંદર ગુમાવી હતી. વેલિંગ્ટન ખાતે ભારત ૧૦ વિકેટે અને ક્રાઈસ્ટ ચર્ચ ખાતે ૭ વિકેટે હાર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૩૬ રન બનાવ્યા હતાં. પહેલા દાવની ૫૩ રનની લીડને ઉમેરતા ભારતે યજમાન ઓસ્ટ્રેલિયાને માત્ર ૯૦ જ રનનો આસાન લક્ષ્યાંક આપ્યો હતો. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલાં ટીમ ઇન્ડિયા ૧૯૭૪માં ઇંગ્લેન્ડ સામે લોડ્‌ર્સ ખાતે ૪૨ રનમાં ઓલઆઉટ થઇ હતી.
ભારતે ગઈ કાલે બીજી ઈનિંગની શરૂઆત હતી જે તદ્દ્‌ન ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શોએ માત્ર ૪ રને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રીત બુમરાહ નાઈટ વોચમેન તરીકે ઓપનર મયંગ અગ્રવાલ સાથે પીચ પર હતો. ગઈ કાલે બીજા દિવસે ભારતે એક વિકેટે ૯ રન બનાવ્યા હતાં. ત્યાર બાદ આજે ભારતીય સમય પ્રમાણે સવારે ૯ઃ૩૦ વાગ્યે ભારતે પોતાની બીજી ઈનિંગ આગળ ધપાવી હતી. પહેલા સેશનની શરૂઆત સાથે જ બુમરાહની વિકેટ પડી હતી. માત્ર ૨ રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. બુમરાહ આઉટ થયા ધરખમ બેટ્‌સમેન ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળી હતી. જોકે તે તો ખાતુ પણ નહોતો ખોલાવી શક્યો અને ૦ રને તે પણ કમિન્સના બોલે કટ આઉટ થયો હતો. પુજારા બાદ તો જાણે ભારતીય બેટ્‌સમેનોએ રીતસરની લાઈન લગાડી દીધી હતી. મયંક અગ્રવાલ ૯, વિરાટ કોહલી ૪, રહાણે ૦, હનુમા વિહારી ૮, સહા ૪, આર આશ્વિન ૦ રને આઉટ થઈ ગયા હતાં. મોહમ્મદ સામી ૧ રને ઈજાગ્રસ્ત થયો હતો અને ઉમેશ યાદવ ૪ રને અણનમ રહ્યો હતો. આમ ભારત માત્ર ૩૬ રન સ્કોરે ખખડ્યું હતું. ભારતીય બેટ્‌સમેનો સ્થિતિ એ હદે દયનિય હતી કે, તેના તમામ બેટ્‌સમેનો ૧૦ રન સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારતીય બેટ્‌સમેનો આજે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ખરેખર દયનિય અને વામણા લાગી રહ્યાં હતાં. કાંગારૂ માટે જોશ હેઝલવૂડે ૫ અને પેટ કમિન્સે ૪ વિકેટ લીધી છે. ???
પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને મળેની ૫૩ રનની લીડ અને બીજી ઈનિંગના ૩૬ રન એમ મળીને ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા ૯૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેનો પીછો કરવા ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ વેડ અને જો બર્ન્સ મેદાને પડ્યાં હતાં. વેડ ૩૩ રન બનાવી રન આઉટ થયો હતો. તેના સ્થાને આવેલો લેબુશેન ૬ રને અશ્વિનનો શિકાર બન્યો હતો. ચોથા ક્રમે આવેલા સ્ટીવ સ્મિથે અણનમ ૧ રન બનાવ્યો હતો અને બર્ન્સ ૫૧ રને અણનમ રહ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ માત્ર ૨ વિકેટે ૯૦ રનનું લક્ષ્યાંક આસાનીથી પાર કરી લીધું હતું.
આ સાથે જ પહેલી જ ડે નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧-૦થી સરસાઈ હાંસલ કરી લીધી છે. ભારતનો આ પ્રયાસ નાલેશીજનક છે. ૧૯૪૭ બાદ ભારતનો આ હદનો રકાશ કેપ્ટન વિરાટ કોહલી અને તેની ટીમ માટે અત્યંત શરમજનક છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતીય સમય પ્રમાણે ૨૬ ડિસેમ્બરે મેલબોર્ન ખાતે રમાશે.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ૧૧ બેટ્‌સમેન ડબલ ડિજિટમાં ન પહોંચ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર ૩૬ રનમાં જ સમેટાઇ ગઇ હતી. ટેસ્ટમાં પહેલવીર એવું થયું છે કે એક ઇનિંગ્સમાં બધા ૧૧ બેટ્‌સમેન અને એક્સ્ટ્રાઝ પણ સિંગલ ડિજિટને ક્રોસ કરી શક્યા નથી. શમી ૧ રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારતનો એક પણ બેટ્‌સમેને ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો. નાઇટ વોચમેન બુમરાહની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બેટસમેનો પાણીમાં બેસી ગયા હતા. ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્‌સમેન ગોલ્ડન ડક બન્યા હતા. જે ભારતનો ટેસ્ટ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ ૯ રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ ૮ રન, પૃથ્વી શૉએ ૪ રન, વિરાટ કોહલીએ ૪ રન, સાહાએ ૪ રન, ઉમેશ યાદવે ૪ રન, બુમરાહે ૨ રન બનાવ્યા હતા. શમી ૧ રને રિટાયર્ડ હર્ટ થતાં ભારતની ઈનિંગનો અંત આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડના નામે સૌથી ઓછા રનનો શરમજનક રેકોર્ડ

જોકે ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ ૨૬ રન પર આઉટ થઇ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે છે જેમાં આફ્રિકાની ટીમ બે વખત ૩૦ જ રન પર આઉટ થઇ ગઈ હતી.