(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
ગુજરાત સરકારના વિકાસના દાવાઓનો પરપોટો ફોડતી વિગતો ખુદ સરકારી દસ્તાવેજ થકી જ બહાર આવતી રહે છે. વિકાસના મોટા મોટા પ્રોજેકટ અને યોજનાઓની વારેઘડિયે વાતો કરતી ભાજપ સરકાર ગરીબ-મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસ અને તેમના માટેની સુવિધાઓમાં કેટલી ગંભીર છે. તે સરકારે દર્શાવેલી વિગતો પરથી જ બહાર આવેલ છે. રાજયમાં ૩૮.૬પ લાખ આંગણવાડીના બાળકો ભાડાના મકાન તથા અન્ય મકાનોમાં ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરે છે. રાજયમાં આવી ૭પ૧૯ આંગણવાડીઓ ચાલી રહી છે જે આંકડા ચોંકાવનારા છે.
રાજય સરકાર વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યાની અને નવા નવા મોટા પ્રોજેકટ લાવ્યાની મોટી મોટી વાતો મોટા પાયે વારે ઘડિયે કરતી રહે છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ ભાજપ સરકાર ઉજવણીઓ અને ઉત્સવો પાછળ કરે છે પરંતુ ગરીબ-મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસ અને તે માટેની સુવિધાઓ પાછળ ખર્ચ કરવામાં ઉભી ઉતરી છે. વિધાનસભાના વર્તમાન સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારના જ મંત્રીએ લેખિતમાં ઉપરોકત આંકડાઓ રજૂ કર્યા છે જે મુજબ રાજયમાં હજુ સુધી ૩૮,૬પ,ર૩ર બાળકો ભાડાના મકાન તથા અન્ય મકાનોમાં ચાલતી આંગણવાડીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. રાજયભરમાં આવી ભાડાના મકાન કે અન્ય મકાનોમાં ચાલતી આંગણવાડીની સંખ્યા કંઈ નાની સુની નથી, પરંતુ ૭પ૧૯ આંગણવાડીઓ પાસે પોતાના મકાન ઉપલબ્ધ નથી. રાજયમાં આવી સૌથી વધુ આંગણવાડી કચ્છ જિલ્લામાં ૬૭૬ છે, તે પછીના ક્રમે સુરેન્દ્રનગરમાં પ૪પ અને આણંદમાં પ૦પ આવી આંગણવાડીઓ કાર્યરત છે. બાળકોની દૃષ્ટિએ જોઈએ તો સૌથી વધુ આદિવાસી જિલ્લા દાહોદમાં ૩,રર,૭ર૭ બાળકો આવી આંગણવાડીમાં અભ્યાસ કરે છે તે પછીના ક્રમે અમદાવાદમાં ૩,ર૦,૯૧૬ અને બનાસકાંઠામાં ૩,૧૧,૭૪૦ બાળકો આવી આંગણવાડીમાં ભણી રહ્યા છે.