અમદાવાદ, તા.૭
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસરની દેશી બનાવટની ૩ પિસ્ટલ, ૧૬ કારતુસ અને ૩ ખાલી મેગેઝીન સહિત ૨ લાખ ૩૬ હજાર ૬૦ રુપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સ સામે પોલીસે હથિયાર ધારા મુજબ ગુનો નોંધી આ ગુનાના મુખ્ય સુત્રધારને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પકડેલ વ્યક્તિ કુણાલ પુરી ગોસ્વામી. જેનું આખુ નામ કુણાલપુરી તુષારપુરી ગોસ્વામી છે. જે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના છેવાડાનો રહેવાસી છે. મુળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો આ શખ્સ ગેરકાયદે હથિયાર સાથે પકડાયો છે.
શહેરના સીટીએમ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે સામે ગ્રીન માર્કેટની સામે જાહેરમાંથી કુણાલપુરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસરની દેશી બનાવટની ૩ પિસ્ટલ કિંમત ૨ લાખ ૨૫ હજાર, ૧૬ કારતુસ કિમત ૨૪૦૦ અને ૩ ખાલી મેગેઝીન કિંમત ૧૫૦૦ સહિત એક મોબાઈલ અને ૧૫૦ રોકડ સહિત કુલ ૨ લાખ ૩૬ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
એસોજી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક્સપ્રેસ વે પાસે આ શખ્સને શોધી તેની પૂછપરછ કરતા તેની પાસેથી ૩ ઓટોમેટિક પિસ્ટલ ૧૬ જીવતા કારતુસ મળી આવ્યા હતા. તપાસ કરતા હથિયાર રાખવાનો તેની પાસે કોઈ પરવાનો મળ્યો નથી. જેથી હથિયારધારા વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી કુણાલ ગોસ્વામી પાસે હથિયાર તેની પાસેથી કેવી રીતે આવ્યા, ક્યાંથી લાવ્યો તે પૂછપરછ કરતા તેણે કબુલાત કરી છે કે, એલમખાન નસીબખાન ઉર્ફે ટીનો જે તેના ગામની બાજુના ગામનો રહેવાસી છે જેણે આ હથિયાર અને લાઈવ કારતુસ આપ્યા છે. જેને લઈ આગળની તપાસ જે શખ્સે આ આરોપીને હથિયાર આપ્યા છે તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે કુણાલ બાદ અન્ય આરોપી ઝડપાઈ જાય પછી તેની પાસે આ હથિયારો કેવી રીતે આવ્યા આ હથિયારો કુણાલને વેચવા આપ્યા હતા કે તેનો કોઈ ઓર્ગેનાઈઝ ક્રાઈમ માટે ઉપયોગ થવાનો હતો, ખંડણી ઉઘરાવવા ઉપયોગ થવાનો હતો તે તમામ હકીકત તપાસવામાં આવશે.