(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસ લોકડાઉનને ૩ મે સુધી લંબાવી દીધો છે અને કહ્યું છે કે, ૨૦ એપ્રિલ પછી દેશના કેટલાક ભાગોમાં અંકુશો હળવા કરવાનો નિર્ણય લેવાશે. ૧૪ એપ્રિલના રોજ આજે પૂરા થતાં ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની સમયમર્યાદામાં વધુ ૧૯ દિવસનો વધારો કરીને હવે ૩ મે સુધી સમગ્ર દેશવાસીઓને લોકડાઉનમાં ઘરે રહેવા જણાવ્યું હતું.વડાપ્રધાને દેશના નામે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ૨૦મી એપ્રિલ સુધી દરેક શહેર, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્ય લોકડાઉનનું કેટલું પાલન થયું તેનું મૂલ્યાંકન કરશે. કયા પ્રાંતે પોતાને કોરોના વાયરસથી બચાવ્યો છે તેની નોંધ લેવાશે. આ આકરી કસોટીમાં જે વિસ્તારો સફળ થયા તેને હોટસ્પોટ કેટેગરીમાં ગણાશે નહીં અને આવા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલ પછી જરૂરી સેવાઓ શરૂ કરીને ઓછા હોટસ્પોટ વિસ્તારની કેટેગરીમાં સમાવેશ કરાશે.
૨૧ દિવસ હાલાકીનો સામનો કરીને ઘેરી કટોકટીમાં જીવન ગુજારનારા ગરીબોને ઠેંગો દેખાડતા અંકુશોમાં કોઇ રાહતની જાહેરાત કર્યા વિના લાંબા લોકડાઉન માટે દેશને તૈયાર કરતા વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરૂદ્ધ લડવામાં નાગરિકોએ પાલન કરાનારા સાત મુદ્દાના ચાર્ટરને પણ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસો ૧૦,૦૦૦થી વધુ થઇ ગયા છે. તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં વૃદ્ધો અને ખાસ કરીને બીમારીનો ઇતિહાસ ધરાવનારા લોકોની ખાસ સારસંભાળ લેવાની અપીલ કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે, આપણા ઘરની લક્ષ્મણ રેખા ના ઓળંગાય તેની ખાસ કાળજી લેવાની રહેશે. આપણા વર્તન માટે આપણે જ જવાબદાર રહીશું. જરૂરી વસ્તુઓ અને દવાઓ ખરીદવા માટે ઘરની બહાર જતા પહેલા ઘરમાં બનાવેલા માસ્ક પહેરવાની ખાતરી કરવી જોઇએ. ત્રીજી વાત એ કે, તમારી ઇમ્યુનિટી વધારવામાં ધ્યાન આપો, આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો, ગરમ પાણી, ઉકાળો બનાવી પીવો, આ તમામ વસ્તુઓ સતત લેવાનું રાખો. તેમણે નાગરિકોને આરોગ્ય સેવા સેતુ ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો હતો જે કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક રહેશે. છઠ્ઠું પોઇન્ટ એ છે કે, તમારા બિઝનેસ અને ઉદ્યોગમાં સાથે કામ કરનારા લોકો પ્રત્યે દયાળુ રહો, કોઇ કર્મચારીની છટણી ના કરો, સાતમી વાતમાં તેમણે કહ્યું કે, દેશના કોરોના વાયરસ લડવૈયાઓનું સૌથી વધુ સન્માન કરો, જેમાં આપણા ડોક્ટરો, નર્સો, સેનિટેશન કામદારો અને પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ પોતાના ૨૫ મિનિટના સંબોધનમાં પરંપરાગત ગમછો અથવા કપડાનો ટોવેલ ગળામાં રાખ્યું હતું.
દરમિયાન કેવા પ્રકારની છૂટછાટ મળશે તેની માગ્રદર્શિકા કેન્દ્ર દ્વારા આવતીકાલ ૧૫મીએ જાહેર કરાશે. દરમ્યાનમાં રેલવેએ ૩ મે સુધી તમામ ટ્રેન વ્યવહાર બંધ રહેવાની જાહેરાત કરતાં ગુડઝ ટ્રેન સિવાય બીજી કોઇ પસેન્જર ટ્રેન ચાલશે નહીં. ૨૪ માર્ચની મધરાતથી શરૂ થયેલા ૨૧ દિવસના લોકડાઉનનો મંગળવારે છેલ્લાં દિવસે વડાપ્રધાન મોદીએ સવારે ૧૦ વાગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં ૨૦ એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
પીએમે કહ્યું કે જાતે કોઈ બેદરકારી રાખવાની નથી, ના કોઈ બીજાને બેદરકારી કરવા દેવાની છે. આવતી કાલે આ વિશે સરકાર તરફથી જરૂરી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. ૨૦ એપ્રિલે નક્કી કરાયેલા વિસ્તારોમાં છૂટની જોગવાઈ ગરીબ ભાઈ- બહેનોની આજીવીકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે રોજ કમાય છે અને ગુજરાન ચલાવે છે. મારી સૌથી મોટી પ્રાથમિકતા આ ગરીબોની મુશ્કેલી ઓછી કરવાની છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના દ્વારા અમે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. નવી ગાઈડલઈનમાં પણ તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને યાદ કરીને કહ્યું કે, હાલ આ વખતે રવી પાકની લણણીનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. સાથીઓ દેશમાં દવાથી માંડી રાશન સુધીનો પૂરતો ભંડાર છે. સપ્લાય ચેઈનની અડચણો સતત દૂર કરાઈ રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહ્યું છે. જ્યાં માત્ર એક લેબ હતી. ત્યાં હવે ૨૨૦થી વધારે લેબ ટેસ્ટિંગનું કામ કરી રહી છે. વિશ્વનો અનુભવ કહે છે કે કોરોનાના ૧૦ હજાર દર્દી થશે તો ૧૫૦૦ બેડની જરૂર પડે છે. ભારતમાં આજે અમે ૧ લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી દીધી છે. ૬૦૦થી વધારે હોસ્પિટલ કોવિડની સારવાર માટે કામ કરી રહ્યા છે. આ સુવિધાઓને ઝડપથી વધારાઈ રહી છે.

૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન વધારવા રાજ્યોએ PM 
મોદીને કહ્યું, તો શા માટે તેમણે ૩ મેની પસંદગી કરી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના લોકડાઉનમાં વધુ ૧૯ દિવસનો વધારો કરીન ત્રીજી મે સુધી લંબાવ્યો છે. મંગળવારે પૂરા થતા ૨૧ દિવસના લોકડાઉનમાં કેટલાક રાજ્યોએ વધારો કરવાનું પીએમ મોદીને સૂચવ્યું હતું જેને તેમણે પોતાના સંબોધનમાં યાદ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, દેશની રાજ્ય સરકારોએ મોટી જવાબદારીભર્યું કામ કર્યું છે અને સતત સ્થિતિને કાબૂમાં રાખી છે. ભારતમાં પ્રસરી રહેલા કોરોના વાયરસ વિરૂદ્ધલડવા માટે હું સતત રાજ્યોના સંપર્કમાં છું. અનેક રાજ્યોએ તો પહેલાથી જ લોકડાઉન વધારી દીધું છે. તેથી એવું મનાતું હતું કે, લોકડાઉન ૩૦મી એપ્રિલ સુધી વધશે કેમ કે ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે મહિનાના અંત સુધી વધાર્યું હતું જેથી ત્રીજી મેની જાહેરાતથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. કેટલાક નિષ્ણાતો અનુસાર લોકડાઉન એ માટે ત્રીજી મે સુધી વધાર્યું છે કારણ કે, પહેલી મેએ લેબર ડેની જાહેર રજા છે અને બીજી તથા ત્રીજી મે અઠવાડિયાના છેલ્લા દિવસ છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, આર્થિક નુકસાન ઘણું છે પરંતુ જીવન બચાવવા માટે કોઇ વિકલ્પ નથી.

PMની નવી સ્પીચમાં ૩ મેની જાહેરાત પણ ઘણું બધું કહેવાનું છૂટી ગયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી મોટા લોકડાઉનને ફરી એકવાર આગળ વધારતાં ૩ મે સુધી ભારતમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી. પોતાના લાંબા ભાષણમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦ એપ્રિલે અમે ફરી રિવ્યૂ કરીશું અને જે રાજ્યો કોરોના વાયરસને રોકવામાં સારૂં પ્રદર્શન કરશે ત્યાં અમુક છૂટછાટ આપવા અંગે વિચારીશું. મોદીએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. તેમણે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર પણ પોતે કપડાથી ચહેરો ઢાંકેલો ફોટો મૂકી દીધો છે. જો કે, આ વખતે વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં શું-શું કહેવાનું ચૂકી ગયા. તેમણે આ વખતે પણ મુસ્લિમો વિશે કંઇ પણ કહેવાનું ટાળ્યું જ્યારે હાલમાં દેશમાં જમાતીઓના મામલા સામે આવ્યા બાદથી મુસ્લિમો વિરૂદ્ધ રોષ ઠાલવીને તેમને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોરોના જેહાદ જેવા શબ્દો વાપરવામાં આવ્યા છતાં મોદીએ તેમના ભાષણમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે મુસ્લિમ વિરોધી ઘૃણાને અટકાવવા માટે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. જે રીતે પહેલાં લોકડાઉનમાં મજૂરો રસ્તાઓ પર આવી ગયા હતા તેને ધ્યાનમાં રાખી આ વખતે પણ સરકાર દ્વારા આગળ લોકો માટે શું યોજના બનાવાઈ છે તેની પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી માનવીય ત્રાસદીઓનો સામનો કઈ રીતે કરાશે તેનો પણ કોઈ ઉલ્લેખ ન કરાયો. જો કે, મોદીએ ફ્ક્ત એટલું જ કહીને વાત ટાળી દીધી કે વધુ ચોક્કસ માહિતી આગામી દિવસે જાહેર કરવામાં આવનાર માર્ગદર્શિકામાં જણાવવામાં આવશે. જો કે, આ મામલો પણ તેમાં સામેલ થશે કે નહીં તેના પર કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ લોકડાઉનને કારણે દેશના અર્થતંત્ર પર પણ માઠી અસર થઈ છે. નિષ્ણાંતો કહે છે કે, આ તો ૨૦૦૮ની વૈશ્વિક મહામંદી કરતાં પણ વધુ કપરી સ્થિતિ છે. જો કે, તમામ ઔદ્યોગિક ક્ષેત્રો માટે અત્યારે રાહત પેકેજની જરૂર છે ત્યારે મોદીએ આ વખતે પણ કોઈ જાહેરાત કે મદદ ન આપી.