મોડાસા, તા.ર૩
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા પર હુમલા સંદર્ભે ૪પ વ્યક્તિ સામે નામજોગ તથા ૧પ૦ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીઓના મોડાસાની કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. જેથી આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બન્ને પક્ષોની રજૂઆત જસ્ટિસ ત્રિવેદીએ સાંભળી ચુકાદો આજ પર રાખ્યો હતો. આરોપીઓને જામીન અરજી નામંજૂર થવાની શક્યતા જણાવતા તેમના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવતા જસ્ટિસ ત્રિવેદીએ તપાસ અધિકારીને તમામ આરોપીઓની ધરપકડ કરવાની સૂચના આપી હતી.