ભરૂચ, તા.૧
જીએસટી સત્તધીશોએ રાજ્ય ભરમાં એક સાથે ૨૮૨ સ્થળોએ દરોડા પાડીને ૬૦૩૦ કરોડનું બોગસ બીલિંગ પકડી પડયાની જાહેરાત કરી હતી.
જેમાં ભરૂચ ના ગોહિલ એન્ટરપ્રાઇઝે રૂપિયા ૨૦૦ કરોડની કર ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો.. પરંતુ જેની સામે આટલી મોટી કર ચોરી નો આક્ષેપ છે તે યુવક માત્ર રૂપિયા ૪ હજારના પગાર દારનો ડ્રાઇવર છે આ યુવકના દસ્તાવેજોનો દુરઉપયોગ કરીને કેટલાક ભેજબાજોએ કંપની ખોલીને કર ચોરી કરી હતી. કર ચોરી કરનારા પકડાયા નથી અને પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમને વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું.
આ કૌભાંડમાં ભરૂચની ગોહિલ એન્ટરપ્રાઇઝે ઓનલાઈન બિઝનેસ કરી રૂપિયા ૨૦૦ કરોડની જીએસટી ચોરી કર્યાનો ખુલાસો થયો છે. પરંતુ ગોહિલ એન્ટરપ્રાઇઝના નામે રૂપિયા ૨૦૦ કરોડની જીએસટી ચોરીની કૌભાંડ કેટલાક અજ્ઞાત ભેજબાજો કરી ગયા જેનો આક્ષેપ ભરૂચના સલ્મ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા ગરીબ યુવાન સુરેશ ગોહિલ પર લાગ્યો છે.
ભરૂચ અને નડિયાદ જીએસટી વિભાગના અધિકારીઓએ તપાસ કરતા ગોહિલ એન્ટરપ્રાઇઝના નામે રૂપિયા ૨૦૦ કરોડની જીએસટી ચોરી કરનાર કંપનીનો મલિક વસંત મિલની ચાલમાં ઝૂંપડામાં પરિવાર સાથે રહેતો અને છૂટક ગાડીઓની વર્ધીઓ કરી માસિક રૂપિયા ૪૦૦૦ કમાનાર સુરેશ ધુણાભાઈ ગોહિલ નીકળતા સમન્સ લઈને સર્ચ ઓપરેશન કરવા આવેલા અધિકરીઓ પણ ઓઠા પડી ગયા હતા. સુરેશની તપાસ દરમ્યાન જીએસટીની ટીમ દ્વારા અમિત જાડેજા નામના શખ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ ચોપડી પાસ યુવક જીએસટીનો અર્થ પણ જાણતો નથી ત્યારે ૨૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો જેના પર આક્ષેપ છે તે સુરેશ ગોહિલે કહ્યું કે, તે માત્ર ત્રણ ચોપડી ભણેલ છે જીએસટી શું છે તેની પણ તેને ખબર નથી જો કે, હજુ પણ વધુ તપાસ માટે તેને મંગળવારે ભરૂચ જીએસટી કચેરીએ બોલાવવામાં આવેલ છે.