અમદાવાદ, તા.પ
શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ર૦ હજારથી વધુ ખેડૂતોની જમીન ઉપર દોડશે. બુલેટ ટ્રેનમાં ૪૦૯ ગામના ખેડૂતોની જમીન જાય છે તેવો સણસણતો આક્ષેપ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કર્યો છે.
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનને લીધે ખેડૂતોની જમીન જઈ રહી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ઈન્કાર ખેડૂતોએ કરી દીધો છે. ગુજરાતમાં ૩૦૦ જેટલા ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના ૧૦૮ ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. ૪૦૯ ગામના ખેડૂતો કે વસાહતોની કુલ ૧૪૦૦ હેક્ટર જમીન બુલેટ ટ્રેન ઓહિંયા કરી જશે. જે એક અંદાજ મુજબ ર૦ હજારથી પણ વધુ ખેડૂતો તેના કારણે અસરગ્રસ્ત બનશે. આમ શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન માટે સરકારે ખેડૂતો પાસેથી જમીન જપ્ત કરી રહી છે પરંતુ તેની સામે વળતર સાવ નજીવું અપાઈ રહ્યું હોવાની ફરિયાદો ઊઠી છે. જો કે ઉઠેલી ફરિયાદોમાં એવી વાત વહેતી થઈ છે કે બુલેટ ટ્રેન માટે જતી સરકારની જમીનની કિંમત અપાઈ રહી છે તેની સામે ખેડૂતોને સાવ મામૂલી વળતર અપાઈ રહ્યું છે એટલે કે સરકાર ખુદ જ પોતાની જમીનને વધુ ભાવ અપાવી રહી છે જ્યારે ખેડૂતોની જમીન મામૂલી કિંમતે વસૂલ કરી રહી છે ત્યારે આગામી સમયમાં બુલેટ ટ્રેનમાં જતી જમીનો માટે પણ ખેડૂતો આંદોલન કરે તો નવાઈ નહીં.