(એજન્સી)નવી દિલ્હી, તા.રપ
જેની ઘણા દિવસોથી રાહ જોવાતી હતી એ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ છેવટે ગુરૂવારે મોટા પર્દા ઉપર પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મને લઈ રાજપૂત સમાજ વિરોધ કરી કરણીસેના તરફથી હિંસક વિરોધો એક મોટો પડકાર હજુએ બનેલ છે. જેને લઈ સુપ્રીમ કોર્ટમાં ચાર રાજ્યો સામે કોર્ટે તિરસ્કારની અરજી દાખલ કરાઈ છે. જેમાં રાજસ્થાન, હરિયાણા, બિહારની સાથે જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ રાજસ્થાન, હરિયાણા, બિહાર અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં સિનેમા થિયેટરની અંદર જોરદાર તોડફોડ કરવામાં આવી છે. ગુરૂગ્રામના સોહના રોડ ઉપર પણ પ્રદર્શનકારીઓએ બસને બાળી નાખી હતી. આ ઘટનાઓના પગલે આ ચાર રાજ્યો સામે સુપ્રીમ કોર્ટમાં કોર્ટ તિરસ્કારની અરજી દાખલ કરાઈ છે. અરજદારે દાવો કર્યો છે કે આ સરકારો કાયદો વ્યવસ્થાની જવાબદારીપૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
દરમ્યાનમાં કરણીસેનાના ત્રણ સભ્યો સામે પણ કોર્ટ તિરસ્કારની અરજી દાખલ કરાઈ છે. કોર્ટે આજે નિર્ણય કરશે કે આ અરજી ઉપર સુનાવણી કરવી કે નહીં. કરણીસેનાએ ફિલ્મની ટિકિટો ઓનલાઈન વેચતી કંપની ‘બુક માય શો’ને ધમકી આપી હતી કે એ ટિકિટોની બુકિંગ બંધ કરી દે અથવા એ ક્યારે પણ કંઈ બુક કરવા યોગ્ય રહેશે નહીં.