વાગરા, તા.૧૨
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના મૂળ વતની અને છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયેલા પટેલ પરિવારને ગતરોજ મોડી રાત્રે કાર અકસ્માત નડયો હતો. પટેલ પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં દંપતી તેમજ બાળક સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ વર્ષીય આયેશાનો તેના જન્મ દિવસે જ ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત અંગે વધુમાં મળતી વિગતો મુજબ આમોદ તાલુકાના કોલવણા ગામના સાકીર પટેલ તેમજ રોજમીના પટેલ રોજી રોટી માટે છેલ્લા આઠેક વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. રવિવારે રાત્રે પોતાની કારમાં સવાર થઈ મેરિઝ પિટ્‌સ બર્ગ જઈ રહયા હતા ત્યારે તેઓની કારને ગ્રે ટાઉન પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો આગળ તેમજ પાછળના ભાગનો લોચો વળી ગયો હતો. અકસ્માતમાં સાકીર પટેલ તેમજ તેઓની પત્ની રોજમીનાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર સુબહાનનું સારવાર દરમિયાન પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. આફ્રિકા ખાતે સર્જાયેલ અકસ્માતમાં કોલવણા ગામના ત્રણ લોકોના મોતને પગલે કોલવણા સહિત સમગ્ર આમોદ તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે સદનસીબે પાંચ વર્ષીય આયેશાનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. અત્રે નોંધનીય છે આ દિવસે જ આયેશાનો જન્મદિવસ હોઈ તેને નવજીવન પ્રાપ્ત થયું હતું. જોકે બીજી તરફ બાળકીએ માતા પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માત દરમિયાન કારમાં મુકેલ ગિફ્ટ તેમજ અન્ય સામગ્રી કારની બહાર ફંગોળાઈ જવા પામી હતી.