(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામમાંથી જિલ્લા એસ.ઓ.જી.એ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. પોલીસે રૂા.૨.૫૪ લાખની કિંમતનાં ૧૦૪ ઘીના ડબ્બા જપ્ત કરી એક મહિલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, લુણા ગામમાં રહેતા નયનાબેન જયંતિભાઇ પટેલ નામની મહિલા ડુપ્લીકેટ દેશી ઘી બનાવીને વેચે છે. જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે લુણા ગામમાં છાપો માર્યો હતો. મહિલાના ઘરમાંથી શંકાસ્પદ ઘીના ૧૦૪ ડબ્બા સહિત ભેળસેળમાં વપરાતું પ્રવાહી સહિતનો જથ્થો કબ્જે કર્યો હતો. આ શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો વેપાર કેટલા સમયથી કરવામાં આવતો હતો તેની તપાસ હાથ ધરી છે. પોલીસે રૂા.૨.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નયનાબેનની અટકાયત કરી હતી.