(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સમગ્ર ભારતના લોકોને અપીલ કરી હતી કે, કોરોના વાયરસના અંધકાર સામે લડવા માટે એકતા દેખાડવા પાંચમી એપ્રિલે રાતે નવ વાગે નવ મિનિટ સુધી મીણબત્તી બાળો, દીવા બાળો અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરો. કોરોના વાયરસના કેસો ભારતમાં વધતા અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૧૦મા દિવસમાં પ્રવેશતા વડાપ્રધાન મોદીએ વીડિયો મેસેજમાં લોકોને આ અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ પોતાના વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, ‘‘પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે હું તમારી પાસે નવ મિનિટ માગું છું. તમારા ઘરની તમામ લાઇટો બંધ કરી દો અને મીણબત્તી, દીવા તથા ફ્લેશલાઇટ નવ મિનિટ સુધી ચાલુ રાખો. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ દ્વારા ફેલાયેલા અંધકારમાંથી પ્રકાશ તરફ આપણે આગળ વધવું પડશે. કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન દ્વારા આ રીતની પ્રથમવાર લોકોને અપીલ કરાઇ નથી પરંતુ પહેલા પણ તેમણે આ રીતે લોકોને અપીલ કરી હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી માર્ચે વૈશ્વિક મહામારી સામે લડવા માટે વ્યક્તિગત નિર્ધાર દેખાડવા માટે ૨૨મી માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફયુનો અમલ કરવા લોકોને કહ્યું હતું.
૨. વડાપ્રધાન મોદીએ લોકોને કહ્યું હતું કે, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કોરોના વાયરસના રોગચાળા સામે લડી રહેલા કોવિડ વોરિયર્સને ધ્યાનમાં રાખો. જ્યારે ઘરમાં રહીને એવા લોકોને યાદ કરો તથા તેમના માટે પ્રાર્થના કરો જેઓ પોતાના જીવને જોખમમાં મુકીને કામ કરી રહ્યા છે. જીવનને બચાવવા માટે દિવસ અને રાત કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો, પેરામેડિક્સ અને પેથોલોજિસ્ટને યાદ કરો તથા હોસ્પિટલ તંત્ર, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, વોર્ડ બોયસ, આ કપરા સમયમાં અન્યોને સેવા આપનારા લોકોને પણ યાદ કરો.
૩. વડાપ્રધાને એ અંગેની પણચિંતા વ્યક્ત કરી કે, વધુ પડતો બોજ ઝીલીને કોરોના વાયરસના ભયની સામે લડી રહેલા મેડીકલ કર્મીઓનો બોજ ઓછો થાય તેની ખાતરી કરવા હોસ્પિટલોમાં વૈકલ્પિક સર્જરી તથા નોન-ઇમરજન્સી ધસારો ના કરો.
૪. વડાપ્રધાન મોદીએ ઔદ્યોગિક આગેવાનોને પણ અપીલ કરી કે, શક્ય હોય તેટલું ઘરમાંથી કામ કરવાનું ચાલુ રાખે.
૫. વડાપ્રધાને એ વાત પર પણ ભાર મુક્યો કે, સ્થાનિક તંત્રના વિસ્તારો પર ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર મુખ્ય ધ્યાન આપવું જોઇએ.
૬. વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા લોકોને ફરીવાર અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની કટોકટીને પહોંચી વળવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ એક માત્ર માર્ગ હોવાનું નિષ્ણાતો કહે છે. કોરોના વાયરસ સામે લડવામાં બીજો કોઇ માર્ગ નથી અને આપણે આપણી જાતને બચાવવાની જરૂર છે. આ ચેપની સાયકલને તોડવાની આપણે જરૂર છે.
૭. તેમણે લોકોને કહ્યું કે, અફવાઓ વિરૂદ્ધ સાવધાન રહેજો અને જ્યાં કોરોના સામે લડવા માટે સેંકડો લોકો કામ કરી રહ્યા છે ત્યારે અંધશ્રદ્ધામાં રહેશો નહીં. મિત્રો, આ સમયે તમારે સાવચેત રહેવું જોઇએ કેમ કે જાણ્યે અજાણ્યે અફવાઓ ફેલાઇ રહી છે. આ અફવાઓ ઘણી ઝડપથી ફેલાય છે તેથી હું અપીલ કરૂં છું કે, આવી અફવાઓ અને અંધશ્રદ્ધામાં માનશો નહીં.
૮. તેમણે કહ્યું કે લોકો માટે જરૂરી છે કે, સૂચનાઓનું પાલન કરે અને ચિકિત્સા બિરાદરીની સલાહ લો. ડોક્ટરને બતાવ્યા વિના કોઇપણ દવા લેશો નહીં. આવી કોઇ પ્રવૃત્તિ તમારા જીવનને વધુ જોખમમાં મુકી શકે. મને વિશ્વાસ છે કે, દરેક નાગરિક સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશે.
૯. તેમણે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન લક્ષ્મણ રેખા પાર નહીં કરવા પર પણ ભાર મુક્યો. જો તમે એક પગ બહાર મુકશો તો કોરોના વાયરસ તમારા ઘરમાં પ્રવેશ કરી જશે.
૧૦. મોદીએ મીડિયા હાઉસ તથા મુખ્ય ધારાના પ્રિન્ટ મીડિયાને કહ્યું હતું કે, સરકાર અને લોકો વચ્ચેની કડી બનો તથા કોરોના વાયરસ કટોકટીને પહોંચી વળવા સરકારના સૂચનોને સતત લોકો સુધી પૂરા પાડો. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે નિરાશાવાદ, નકારાત્મકતા અને અફવાઓને પહોંચી વળવાનું મહત્વપૂર્ણ છે. નાગરિકોએ આશાવાદ રાખવો જોઇએ કે, કોરોના વાયરસની અસરને પહોંચી વળવા માટે સરકાર કટિબદ્ધ છે.