(એજન્સી) તા.૨૫
જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી)ના સંસ્થાપક પ્રમુખ સૈયદ મોહમદ અલ્તાફ બુખારીએ જણાવ્યું છે કે મારી માગણી છે કે ભારત સરકાર ૫, ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃ પ્રસ્થાપિત કરે. આ અમારો અધિકાર છે. અમારી પાસેથી રાજ્યનો દરજ્જો છિનવ્યાંને ૫, ઓગસ્ટે એક વર્ષ પૂરું થશે તેથી આ દિવસે ફરીથી રાજ્યનો દરજ્જો પરત કરો. પુનર્ગઠન કાયદાને પણ એક વર્ષ પૂરું થશે.
અપની પાર્ટી હજુ નવો પક્ષ છે અને જમ્મુ-કાશ્મીરના રાજકીય ક્ષેત્રમાં હજુ તેણે પગપેસારો જમાવવાનો છે પરંતુ બુખારીએ અવાજ બુલંદ કરતા મતદારોને આ પાર્ટીમાં રસ પડ્યો છે.
બુખારીએ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની રાજ્ય તરીકે પુનઃ સ્થાપના કરવા માગણી કરી છે. આ વર્ષે માર્ચમાં જેએકેપીની રચના કર્યા બાદ બુખારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યાં હતાં અને તેમણે આ મુલાકાત બાદ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એ વખતે મીડિયાને જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાને તેમને એવી ખાતરી આપી હતી કે રાજ્યનો દરજ્જો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે અને અધિવાસ કાયદો પાસ કરાશે અને જમ્મુ અને કાશ્મીરની પ્રજાને સ્પર્શતા અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.
બુખારીએ હવે ફરીથી આ બાબતની યાદ અપાવી છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરે તેનો રાજ્યનો દરજ્જો અને વિશિષ્ટ દરજ્જો ગુમાવ્યાને હવે ટૂંક સમયમાં એક વર્ષ પૂરું થશે, પરંતુ જે વચન આપવામાં આવ્યું હતું તેનો અમલ કરવા માટે કેન્દ્ર તરફથી કોઇ જાહેરાત કરાઇ નથી. એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે જેકેએપીના વડાએ એવું કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યના દરજ્જાની પુનઃ સ્થાપના પર કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ વિશિષ્ટ દરજ્જો ગુમાવવા અનિચ્છાએ તૈયાર થયો છે, પરંતુ અમારી માગણી છે કે જમ્મુ અને કાશ્મીર તેમજ તેની પ્રજાને દેશના અન્ય ભાગોની પ્રજાની સમકક્ષ માવજત આપવામાં આવે. બુખારીએ જણાવ્યું કે અગાઉ જમ્મુ-કાશ્મીરને ક્રેક ડાઉન અને હવે લોકડાઉન સહન કરવું પડી રહ્યું છે અને સામાન્ય માનવી માટે સ્થિતિમાં કોઇ ફરક પડ્યો નથી.