અમદાવાદ, તા.૧૦
રાજ્યના ૬૦ લાખ એપીએલ-૧ કાર્ડધારકોને તા.૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા.૮ એપ્રિલે મળેલી વીડિયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ એપીએલ-૧ રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રજાહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા.૧૩ એપ્રિલ-ર૦ર૦થી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૬૦ લાખ એપીએલ-૧ કાર્ડધારકો એટલે કે ર.પ૦થી ૩ કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતિમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે. આ હેતુસર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, વિતરણની સુચારૂ વ્યવસ્થા અને સાચા લાભાર્થીઓને કોઇ પણ જાતની અવ્યવસ્થા વગર અનાજ મળી રહે તે માટે તમામ કાર્યવાહી કરવાની રહેશે. એપીએલ-૧ કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશા-નિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે. વધુમાં સચિવે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે તા.૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. તદ્દઅનુસાર, એનએફએસએમાં સમાવિષ્ટ ન હોય તેવા એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નં.૧ અને ર છે તેમને તા.૧૩ એપ્રિલ-ર૦ર૦, ૩ અને ૪ છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને તા.૧૪ એપ્રિલ-ર૦ર૦, પ અને ૬ છેલ્લા આંક ધરાવતા હોય તેને તા.૧પ એપ્રિલ તેમજ ૭ અને ૮ છેલ્લા અંક ધરાવતા એપીએલ-૧ કાર્ડધારકે તા.૧૬/૪/ર૦ર૦ તેમજ ૯ અને ૦ છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને તા.૧૭ એપ્રિલ-ર૦ર૦ના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, એપીએલ-૧ કાર્ડધારકો તેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જે તારીખો-દિવસો ફાળવાયા છે તે જ દિવસે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે જાય તે આવશ્યક અને પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષિત પણ છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ એપીએલ-૧ કાર્ડધારક આ પાંચ દિવસ દરમ્યાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને તા.૧૮ એપ્રિલ-ર૦ર૦ના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે જેથી જે-તે દિવસે જો કોઇ લાભાર્થી અનાજ ન મેળવી શકે તો બીજા દિવસે દુકાને નહીં જઇને તા.૧૮મીએ જ પોતાનું અનાજ મેળવવાનું રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નાના-મોટા ઊદ્યોગ એકમો, કોન્ટ્રાકટર્સ, ખાનગી એકમો પોતાના કમર્ચારીઓને છૂટા કરી શકશે નહીં તેમજ વેતન પણ આ સમય દરમ્યાન આપવાનું રહેશે તેવા જે દિશા-નિર્દેશો આપેલા તેને પણ રાજ્યના ઊદ્યોગ-વેપાર એકમોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે. સચિવે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યભરમાં આવા ર૦,ર૧૪ જેટલા નાના-મોટા એકમોએ તેમના કુલ ૭ લાખ ૩૮ હજાર જેટલા કામદારો-કારીગરો-શ્રમિકોને રૂા.૧ર૬૪ કરોડનું વેતન ચૂકવ્યું છે. હાલની લોકડાઉનની સ્થિતિમાં શ્રમજીવી વર્ગોને નાની-મોટી બીમારીના ઇલાજ સારવાર માટે રાજ્યમાં ૩૪ જેટલા ધન્વંતરી રથ કાર્યરત છે અને તેની ઓપીડીમાં ૪૬ હજારથી વધુ શ્રમિકોને લેબર કોલોની, રેનબસેરા તથા પરપ્રાંતિય શ્રમિકોની વસાહતોમાં જઇને આરોગ્ય તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી છે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું.
૬૦ લાખ APL કાર્ડધારકને તા.૧૩મીથી વિનામૂલ્યે અનાજ મળશે

Recent Comments