(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સ્થિત સેગવાથી માલસરના માર્ગની બંને બાજુએથી વધારાના ૬૭૭ વૃક્ષો (કિંમત રૂપિયા ૪૫ લાખ)નું નિકંદન કાઢી નાખનાર વન વિભાગના ઈન્ચાર્જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત બે કોન્ટ્રાક્ટરોની પોલીસે ધરપકડ કરી તા.૧૧મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. તમામ વૃક્ષો લાકડાના શો મીલને વેચી ત્રણેય જણાએ રોકડી કરી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શિનોર તાલુકાના સેગવાથી માલસર સુધીનો માર્ગ પહોળો કરવાનો હોવાથી વન વિભાગને રોડની બંને બાજુના ૬૯૧ વૃક્ષો કાપી નાખવા મંજૂરી આપવામાં આવી હતી. જૂન ર૦૧૮માં આપવામાં આવેલી મંજૂરીનું કામ તાજેતરમાં શરૂ કરાયું હતું. જે ૬૯૧ વૃક્ષો કાપવાના હતા. તેના ઉપર વન વિભાગે માર્કિંગ કરેલું હતું. વૃક્ષ કાપવાનો કોન્ટ્રાક્ટ આરીફ મન્સુરીને આપવામાં આવ્યો હતો. તેમણે પેટા કોન્ટ્રાક્ટ ઈમરાન મન્સુરીને આપ્યો હતો. વૃક્ષો કાપવાની દેખરેખ આરએફઓ કૌશિક પારેખને રાખવાની હતી અને રોજેરોજ કેટલા વૃક્ષ કપાયા તેનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીને આપવાનો હતો. બંને કોન્ટ્રાક્ટરો કૌશિક પારેખ સાથે મળી જઈ વધારાના ૬૭૭ વૃક્ષો કાપી નાખી શો મીલ વાળાને વેચી માર્યા હતા અને રૂપિયા ત્રણેય જણાએ વહેંચી લીધા હતા. વધારાના વૃક્ષોની કિંમત રૂા.૪પ લાખ થવા જાય છે. આ અંગે ઉચ્ચ સ્તરે જાણ થતાં તપાસ યોજવામાં આવી હતી. જેમાં આ કૌભાંડ સપાટી ઉપર આવતા શિનોર પોલીસ મથકે ત્રણે જણા સામે ફરિયાદ થઈ હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તા.૧૧મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જે શો મીલે ચોરીનો માલ ખરીદ કર્યો છે. તેમની સામે પગલાં ભરવામાં આવનાર છે.