અમદાવાદ, તા.૮
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગે ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા ૮ દર્દીઓને મોતની પથારીમાં સુવડાવી દીધા છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને પગલે મુખ્યમંત્રીએ કડક તપાસના આદેશ આપ્યા છે. તેમ છતાં હજુ એફએસએલ રિપોર્ટ બાદ જ પોલીસ ગુનો નોંધશે તેવું રટણ કરી રહી છે તો બીજી તરફ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા ૮ લોકોના મોતના પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારે ૮માંથી ૬ લોકોના ગુંગળામણથી જ્યારે બે લોકોના મોત દાઝી જવાથી થયા હોવાનું પીએમ રિપોર્ટમાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે ખરેખરમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનારા આઠેય દર્દીનું મોત કેવી રીતે થયું તેનો સાચો ખ્યાલ તો પીએમ રિપોર્ટ પોલીસ સમક્ષ આવ્યા બાદ જ આવી શકશે. હાલ તો સમગ્ર મામલે પોલીસ અને એફએસએલ સહિત એએમસી તંત્રના જુદા-જુદા વિભાગોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વધુમાં વાત કરીએ તો આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં જેટલી માત્રામાં ઇલેક્ટ્રિક પાવરનો લોડ હોવો જોઈએ તેનું પ્રમાણ ઓછું હોવાની આશંકા સૂત્રો વ્યક્ત કરે છે. સામાન્ય રીતે પાવર લોડના કારણે આટલી વિકરાળ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. શોર્ટ સર્કિટમાં ટેબલ ફેનમાં સ્પાર્ક થયું હતું. ત્યાર બાદ ટેબલ ફેનમાં સામાન્ય ભડકો થયો હતો. અને બાદમાં ટેબલ ફેન જે ઇલેકટ્રીક પ્લગ સાથે જોડાયેલો હતો. તેમાં સ્પાર્ક થયો હતો. જેનાથી ટેબલ ફેનના ટુકડા થઈ ગયા હતા. આ આગ ફેલાઈને આઇસીયું વોર્ડના ઓક્સિજન પાઇપમાં પ્રસરી હતી અને જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને લઈને પાછળના દરવાજેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. વાત એવી પણ સામે આવી રહી છે કે શુક્રવારની મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ શ્રેય હોસ્પિટલમાં પ્રવેશી તપાસ પણ કરતી હતી ત્યારે હાલ સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ છે ત્યારે આવનારા સમયમાં આ કેસમાં કેટલા લોકોના નામ આરોપી તરીકે સામેલ થાય છે તે જોવું રહ્યું.