(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ ઊભો થવા જઈ રહ્યો છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં ગ્રામપંચાયતોની અને તે બાદના તબક્કામાં ૭પ નગરપાલિકાઓની તથા કેટલીક તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવામાં આવનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું આજરોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવતા ઉમેદવારી નોંધાવવાનો પણ આજથી જ પ્રારંભ થયો છે.
ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ ગત સપ્તાહે જાહેર કર્યા બાદ આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું આજે પ્રસિધ્ધ કરાયું છે. જે મુજબ આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે જ અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૫ નગરપાલિકાઓ માટે વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર સત્તા મેળવવાની રાજકીય લડાઇ જોવા મળશે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ આજથી ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. આજથી ફોર્મ ભરવાનું શરૂ થયા બાદ તા.૩જી ફેબ્રુઆરી ઉમેદવારીફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મની ચકાસણી તા.૫મી ફેબ્રુઆરીએ થશે. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા અગાઉ કરી દેવામાં આવી છે. તો, સાથે સાથે સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે તેવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો તે માટેની છેલ્લી તારીખ ૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. ૧૭મી ફેબ્રુઆરીએ સવારે (મતદાન) યોજાશે, જો પુનઃ મતદાન યોજવાની સ્થિતિ સર્જાય તો તેની તા.૧૮મીએ અને છેલ્લે ૧૯મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.