(એજન્સી) તા.રપ
હઝરત નિઝામુદ્દીન ઔલિયા (રહે.)ની દરગાહના ખાદીમ સૈયદ કશિફ નિઝામીએ કહ્યું હતું કે, દિલ્હીમાં મધ્યયુગથી મોહર્રમ નિમિત્તે તાજિયાનું જુલૂસ કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા ૭૦૦ વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, આ વર્ષે મોહર્રમ નિમિત્તે આ જુલૂસ કાઢવામાં નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૪૭ના ભાગલા વખતે પણ દરગાહની અંદર તાજિયાનું જુલૂસ કાઢવા પર કોઈ પ્રતિબંધ ન હતો. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે દિલ્હી સરકારે અને કેન્દ્ર સરકારે આ જુલૂસની પરવાનગી આપી નથી. નોંધનીય છે કે, મોહર્રમ મહિનાના દસમાં દિવસે ઈ.સ. ૬૮૧માં ઈરાકના કરબલામાં શહીદ થયેલા પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના દોહિત્ર ઈમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં તાજિયાના જુલૂસ કાઢવામાં આવે છે. શાહ-એ મરદાં દરગાહ અને અંજુમન કરબલા કમિટીના સભ્ય ગૌહર અસગર કાસમીએ કહ્યું હતું કે, દર વર્ષે મોહર્રમના પ્રથમ દિવસેથી જ મજલિસ શરૂ થઈ જાય છે અને ઘણા સ્થળોએ તાજિયા પણ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે ફકત ઈમામવાડામાં જ મજલિસનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને સામાજિક અંતર જાળવી આ મજલિસમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે.