(એજન્સી) નવી દિલ્હી,તા.૧
“જ્યારે વિશ્વભરની સરકારો કોવિડ-૧૯ રોગચાળા સામે લડી રહી છે ત્યારે લોકડાઉન દ્વારા ઉભી થયેલ તકની મદદથી મોદી સરકાર અસંતુષ્ટો સામે લડત ચલાવી રહી છે અને તેમના મૂળભૂત અધિકારોને નાબૂદ કરી રહી છે અને લોકોને બનાવટી કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે.” ગુરૂવારે સંયુક્ત નિવેદનમાં સિવિલ સોસાયટીના આશરે ૭૦ નામાંકિત વ્યક્તિઓએ જણાવ્યું હતું. છેલ્લા બે અઠવાડિયામાં, આશરે અડધો ડઝન જેટલા યુવા કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર આતંકવાદ વિરોધી કાયદો અનલોફૂલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંના કેટલાકની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા હતા. અમે, ભારતના એક્ટીવીસ્ટો અને નાગરિકોનો જૂથ હાલમાં થયેલ ખોટી ધરપકડોનો વિરોધ કરીએ છીએ જે ધરપકડો ખોટા તથ્યોના આધારે ઈ.પી.કો.ની કલમો ૧૨૪એ અને અનલોફૂલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની કલમો હેઠળ કરવામાં આવી છે. આ નિવેદનમાં સહી કરનારાઓમાં ગીતા હરિહરન, ન્યાયમૂર્તિ બી.જી. કોલસે પાટિલ, હર્ષ મંદિર, મલ્લિકા સારાભાઇ, મેધા પાટકર અને જ્હોન દયાલ સહિતના નામાંકિત વ્યક્તિઓ છે. તાજેતરમાં યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલ લોકોમાં-આનંદ ટેલતુમ્બડે અને ગૌતમ નવલખા, મસરત ઝહરા, મીરાં હૈદર, સફૂરા ઝરગર, શિફા-ઉર-રહેમાન, કવલ પ્રીત કૌર અને અખિલ ગોગોઈ છે. “તમામ લોકો સામે કરાયેલ કેસો સાથે મળીને જોતાં, અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે લોકડાઉન સમયગાળા દરમિયાન, અસંમતિ અને વિરોધ બંનેને ખતમ કરવા માટે અત્યંત કટ્ટર અને પ્રતિકારક સુધારેલા યુએપીએ કાયદાને વ્યૂહાત્મકરૂપે મૂકવામાં આવ્યો છે,” નાગરિક સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં, નાગરિક સમાજના વ્યક્તિઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો મુક્યા છે કે દિલ્હી હિંસાના ગુનેગારોને બચાવવા માટે સીએએએ-એનઆરસીનો વિરોધ કરનારાઓને દોષી ઠરાવી ને તેમની ધરપકડ કરી છે. “આ ધરપકડની સહાયથી કેન્દ્ર સરકાર ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોનો દોષ એન્ટી સીએએ, એનઆરસી અને એનપીઆર પ્રદર્શનકારીઓ પર મૂકી રહી છે જે રીતે ભીમા કોરેગાંવ કેસમાં સમ્પૂર્ણ કથનને જ બદલી નાખ્યો હતો. ૩મી એપ્રિલ ૨૦૨૦ના રોજ યુનાઇટેડ નેશન્સના હ્યુમન કમિશન્સના હાઇ કમિશનર દ્વારા તમામ દેશોને સુચના આપવામાં આવી હતી કે પૂરતા કાનૂની આધાર વિના અટકાયતમાં લેવાયેલ દરેક વ્યક્તિને મુક્ત કરવામાં આવે તેમ છતાં આ ધરપકડ કરવામાં આવી છે.” સિવિલ સોસાયટીના નેતાઓએ યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા વિદ્યાર્થી અને કાર્યકરોને મુક્ત કરવાની માંગ કરી છે.