(એજન્સી) તા.૮
સ્પાઈડર મેન વિશે લગભગ બધા જાણે છે આપણે બધાએ સ્પાઈડર મેનની ફિલ્મો, કાર્ટુન અને તસવીરો તો જોઈ જ છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે, વાસ્તવિક જીવનમાં પણ કોઈ સ્પાઈડર મેનની જેમ દીવાલો પર ચઢી અને ઉતરી શકે છે. કાનપુરનો રહેવાસી એક સાત વર્ષનો બાળક સ્પાઈડર મેનની જેમ કોઈ પણ આધાર વિના દીવાલો પર ચઢી અને ઉતરી શકે છે. સાત વર્ષનો યસાર્થ સિંહ ધો.૩માં અભ્યાસ કરે છે. પરંતુ આટલી ઓછી ઉંમરમાં યસાર્થને બધા ઓળખી ગયા છે. કારણ કે, તેમણે તે કરી બતાવ્યું જેને આપણે માત્ર ફિલ્મોમાં જ જોઈએ છીએ. સુપર હીરોની જેમ યસાર્થ કોઈ પણ આધાર વિના સ્પાઈડર મેનની જેમ ઝડપથી ચઢી જાય છે. યસાર્થે આ કળા ટીવી પર સ્પાઈડર મેનની ફિલ્મ જોઈને શીખી. યસાર્થે વિચાર્યું કે, જ્યારે સ્પાઈડર મેન દીવાલો પર ચઢી શકે છે તો તે કેમ નહીં. ફિલ્મમાંથી પ્રભાવિત થઈને યસાર્થે દીવાલો પર ચઢવાનો અભ્યાસ શરૂ કરી દીધો. ત્યાં આ નાના બાળકની માંનું કહેવું છે કે, તેને પોતાના બાળકને આ રીતે દીવાલો પર કોઈ પણ આધાર વિના ચડતા-ઉતરતા જોઈ ભય લાગે છે. કારણ કે, તેમાં ઈજા પહોંચવાનું જોખમ રહે છે ત્યાં યસાર્થ મોટો થઈને આઈપીએસ અધિકારી બનવા ઈચ્છે છે જેથી દેશની સેવા કરી શકે.