અમદાવાદ, તા.૨૨
ગુજરાતભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિના કારણે લોકો પરેશાન થયેલા છે. કેટલાક દિવસ સુધી તાપમાનમાં ઘટાડો તો કેટલાક દિવસ સુધી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આ પ્રકારની સ્થિતિના કારણેબાળકો અને મોટી વયના લોકોને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન હજુ ઘટી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાત્રિ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થવાનું નથી પરંતુ ત્યારબાદ ૨-૩ ડિગ્રી સુધી રાત્રિ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. નલિયામાં આજે પણ તીવ્ર ઠંડીની અસર જોવા મળી હતી. જો કે, ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. આજે લઘુત્તમ તાપમાન ૭.૬ ડિગ્રી નોંધાયું હતું. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. તાપમાનમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે. કારણ કે લઘુત્તમ તાપમાનમાં હવે પહેલાની સરખામણીમાં વધારો થઇ ચુક્યો છે. હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૧, ડિસામાં ૧૨.૪ અને ગાંધીનગરમાં ૧૩.૨ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો. જ્યારે ભાવનગરમાં ૧૭.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ક્યા કેટલું તાપમાન

સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૪.૧
ડિસા ૧૨.૪
ગાંધીનગર ૧૩.૨
વીવીનગર ૧૬.૮
વડોદરા ૧૬
સુરત ૧૮
વલસાડ ૧૪.૬
અમરેલી ૧૫.૪
ભાવનગર ૧૭.૩
પોરબંદર ૧૫.૮
રાજકોટ ૧૪.૭
સુરેન્દ્રનગર ૧૫.૫
ભુજ ૧૨.૬
નલિયા ૭.૬
કંડલા એરપોર્ટ ૧૩.૧
મહુવા ૧૫.૯