ગાંધીનગર, તા.૧પ
પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી કરી છે. આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. ભાદર, કડાણા અને પાનમ જેવા મોટા જળાશયો અને સુજલામ સુફલામ કેનાલની વચ્ચે હોવા છતાં વિષમ પડકારરૂપ ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના આ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા મુખ્યમંત્રીની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે આ મહત્વાકાંક્ષી યોજનાને તેમણે મંજૂરી આપી છે. પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી ૧૮પ મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે. આ મંજૂરીને પરિણામે આદિજાતિ વિસ્તારના ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પાક લઈ શકશે.